નડિયાદનાં નેશનલ હાઈવે નંબર 48 ખેડા ચોકડી સોમનાથ મહાદેવ મંદિર સામે રાત્રે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ કન્ટેનર ગાડીમાંથી કોઈ તસ્કરો અમુલ ઘીના 500 મી.લી.નાં પાઉચ નં.396 બોક્સમાં 7920 પાઉચ કિંમત રૂ.20,87,018/-ની મત્તા ચોરી ગયા હતા. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ચંદ્રકાંત જશભાઇ પટેલ (રહે.ઠક્કર રેસીડન્સ, સોખડા, ખેડા માતર રોડ) તા.12/5/23નાં રોજ મોગર ડેરીમાંથી કન્ટેનરમાં અમુલ લોટની બોરીઓ ભરી પલસાણા સુરત અમૂલના ગોડાઉન પર ગયા હતા.
જ્યાં કન્ટેનર ખાલી કર્યા બાદ ભરૂચ અમુલનાં પ્લાન્ટમાંથી અમુલ ઘીના બોક્સ ભરી અસલાલી વેર હાઉસ અમુલ ગોડાઉનમાં આપવા જવા નીકળ્યા હતા. આ દરમિયાન તા.18/5/23ની રાત્રે 11:30 વાગ્યાના સુમારે કન્ટેનર ખેડા ચોકડી સોમનાથ મહાદેવ મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કન્ટેનર પાર્ક કર્યું હતું. આ દરમિયાન કન્ટેનરના પાછળના દરવાજાનું અડધુ સીલ તોડી કોઈ તસ્કરો કન્ટેનરમાંથી અમુલ ઘીના 500 મી.લી.નાં 396 બોક્સ કુલ પાઉચ 7920ની કુલ કિંમત રૂ.20,87,018/-ની મત્તા ચોરી ગયા હતા. જેની જાણ કન્ટેનરના ડ્રાઈવર ચંદ્રકાંતે લોજિસ્ટકના મેનેજરને કરી હતી. જેથી આ બનાવ અંગે જબીઉલ્લાહ અબ્દુલરજાક સૈયદ (રહે.અજમતપુરા,હાડગુડ)ની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500