મૂળ રાજસ્થાનનાં ભીલવાડા જિલ્લાનાં ભોપાલગઢ ગામના અને હાલ રાજકોટનાં ભાવનગર રોડ પર આર.એમ.સી. ઓફિસની સામે યશ કોમ્પ્લેક્સના ત્રીજા માળે રહેતા મનોહર સોની અને તેના પિતા સત્યનારાયણ બે વેપારીની રૂપિયા 21.24 લાખની ચાંદી લઇ ભાગી ગયાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, 80 ફૂટનાં રોડ ઉપર નિત્યવિલા સોસાયટીમાં રહેતા અને આર્યનગર શેરી નં.9માં એસ.એસ.ઓ. કોર્પોરેશન નામની ચાંદી કામની પેઢી ધરાવતા બાબુ પ્રાગજીભાઈ કાનપરીયા (ઉ.વ.56) નાંએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે છેલ્લા 15 વર્ષથી ચાંદીના મિક્સ દાગીના બનાવવાનું કામ કરે છે.
જોકે મુખ્યત્વે ચાંદીની ઘૂઘરી, ચેઇન, કાસ્ટીંગ પાયલ, રેણ અને તાર બનાવે છે. બંને આરોપીઓને છેલ્લા બે વર્ષથી ઓળખે છે. ગત તારીખ 1 માર્ચનાં રોજ કારીગર મનોહર તેની પેઢીએ આવી 21 કિલો ચાંદી દાગીના બનાવવા માટે લઇ ગયો હતો. જેમાંથી તેણે સાતેક કિલો ચાંદીનો માલ જમા કરાવ્યો હતો. બાકીની 14 કિલો ચાંદી છ-સાત દિવસમાં જમા કરાવશે તેમ કહી ગયો હતો. મુદત પૂરી થવા છતાં માલ પરત નહીં કરતા તેને મોબાઇલ કર્યો હતો. જે સ્વીચ ઓફ આવતો હતો. જેથી તેના ઘરે તપાસ કરતાં બંને આરોપીઓ હોળીના તહેવાર નિમિત્તે વતન જતા રહ્યાની માહિતી મળી હતી.
આજ રીતે બંને આરોપીઓએ ભગીરથ સોસાયટી શેરી નં.1માં આવેલ દેવ સિલ્વર આર્ટ નામની પેઢી ધરાવતા સંજય રામજીભાઈ અમીપરા (રહે.રણછોડનગર શેરી નં.24/27નો ખૂણો) પાસેથી પણ અંદાજે 37 કિલો ચાંદી લઇ ઓળવી ગયા હતા. આ રીતે બંને વેપારીઓની કુલ રૂપિયા 21.24 લાખની ચાંદી ઓળવી જતા શરૂઆતમાં બી ડીવીઝન પોલીસ મથકમાં અરજી કરી હતી. પરંતુ બંને આરોપીઓનો પત્તો નહીં મળતા આખરે ગઇકાલે પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. હવે પોલીસે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની સોની બજારનાં વેપારીઓનું સોનુ અને ચાંદી લઇ બંગાળી કારીગરો ભાગી જતા હોવાના કિસ્સા હવે સામાન્ય થઇ ગયા છે. સામાકાંઠે ચાંદીનો વેપાર થાય છે. ત્યાના કારીગરો પણ હવે વેપારીઓની ચાંદી લઇ ભાગી જતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવવા લાગ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500