Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માટલામાં પૈસા મૂકી ડબલ કરી આપવાની લાલચે રૂપિયા 25 લાખની છેતરપિંડી થતાં 5 સામે પોલીસ ફરિયાદ

  • July 29, 2022 

કાળાજાદૂને નામે લોકો સાથે ઠગાઇ આચરતા ૫ ઈસમોની દહીંસર પોલીસે ધરપકડ કરી હતી. જોકે આ લોકોએ એક સિનિયર સિટીઝનને માટલામાં પૈસા રાખી રકમ ડબલ કરી આપવાની લાલચ આપી હતી અને તેની સાથે રૂપિયા ૨૫ લાખની છેતરપિંડી આચરી હતી. પકડાયેલ આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. બનાવ અંગે અરુણ ગડીગરે (ઉ.વ.૭૫) નાએ પોલીસમાં આવેલ ફરિયાદ મુજબ તેઓ તેમની જીવનભરની કમાઇને આધારે મુંબઇમાં ફ્લેટ અથવા પનવેલમાં પ્લોટ લેવા માગતા હતા.




આ માટે તેમણે ઇન્ટરનેટ પર સર્ચ કરતા તેમને પ્રિયા સોની નામની મહિલાનો નંબર મળ્યો હતો. પ્રિયા સાથે તેમણે મુલાકાત કર્યા બાદ તેણે ફરિયાદીની મુલાકાત અન્ય આરોપીઓ સાથે કરાવી તેઓ એસ્ટેટ એજન્ટ હોવાનું જણાવ્યું હતું. આમાંથી એક આરોપી નારાયણ પવાર પ્રોપર્ટી બનાવવાને બહાને તેમને પનવેલ લઇ ગયા હતા. આ સમયે પનવેલના એક ફાર્મ હાઉસમાં તેમણે અમૂક લોકોને મંત્રોચ્ચાર કરતા જોયા હતા. અહીં કૈલાશ બાબા નામનો એક શખ્સ કાળોજાદૂ કરતો હોવાનું જણાયું હતું.




કૈલાશ બાબાએ અહીં માટલામાં અમૂક ચલણીનોટો નાંખી મંત્રોચ્ચાર કરતા થોડા જ સમયમાં નાણા બમણા થઇ ગયા હતા. આ દ્રશ્ય ફરિયાદીએ જોતા તેમને પણ વિશ્વાસ બેસી ગયો હતો અને તેમણે પણ રસ દર્શાવતા કૈલાશ બાબાએ તેમને પણ મંત્રોચ્ચારથી નાણા બમણા કરી આપવાની લાલચ આપી હતી. ગત તા.૨૪મે નારોજ આરોપીઓએ ફરિયાદીને સાતારામાં આ રીતની વિધિ કરવા જવાના હોવાનું કહ્યું હતું.




તેથી ફરિયાદીએ રૂપિયા ૨૫ લાખ આપ્યા હતા. ત્યારબાદ કૈલાશ બાબાએ થોડા દિવસ પછી ફરિયાદીને એક બેગ આપી હતી જેમાં મંત્રોચ્ચારથી તેમની રકમ ૪૫ લાખ થઇ ગઇ હોવાનું જણાવી આ બેગ ત્રણ દિવસ પછી ખોલવાનું જણાવ્યું હતું. જો તેઓ આ બેગ વહેલા ખોલશે તો તેમનું મોત થશે તેવું પણ જણાવ્યું હતું.




ફરિયાદીએ ત્રણ દિવસ પછી બેગ ખોલતા તેમાથી ઇંટોના ટુકડા નિકળતા છેતરાયેલા ફરિયાદીએ આ સંદર્ભે દહીંસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી પ્રિયા સોની, ગોપાલ નારાયણ, કૈલાશબાબા અને ગણેશ પવાર એમ કુલ ૫ જણની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application