ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણના પ્રમુખ નગર ફ્લેટમાં રહેતા શખ્સે 10 મહિનામાં કંપનીમાં રોકાણ કરાવીને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી સરગાસણના બેકરી માલિક સહિત અન્ય વ્યક્તિઓ સાથે 16.20 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવા અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર નજીક આવેલા સરગાસણ રત્ન રાજ રેસિડેન્સીમાં રહેતા અને પ્રમુખ નગર શોપિંગ કોમ્પ્લેકસમાં બેકરી ચલાવતા નીલરાજસિંહ મહેન્દ્રસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે, ઓગસ્ટ-2021માં તેમની બેકરી ઉપર પ્રમુખ નગર સી/302માં રહેતો ષિકેશ ચંદ્રકાંત પંડયા આઈવીક પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું બ્રોશર આપી ગયો હતો.
ત્યારબાદ ષિકેશે નીલરાજને કહ્યું હતું કે, પોતે કંપનીનો ભાગીદાર છે અને જો કંપનીમાં રોકાણ કરવામાં આવે તો રોજનું એક ટકા રિટર્ન આપશે અને નીલરાજ નામનું યુઝર આઈડી બનાવી કંપનીના એકાઉન્ટમાં 10 હજાર ટ્રાન્સ્ફર કર્યા હતા. જે પેટે રોજનું 1 ટકા રિટર્ન પણ મળવા લાગ્યું હતું. બાદમાં ષિકેશે બનાવેલા વોટ્સઅપ ગ્પમાં નીલરાજને એડ કરવામાં આવ્યો હતો. જેમાં ષિકેશ 10 માસમાં પૈસા ડબલ કરવા સહિતની લોભામણી જાહેરાતો મુકતો રહેતો હતો. જેથી નીલરાજ રાઠોડે નવેમ્બર-2021 સુધીમાં 20.80 લાખનું રોકાણ કર્યું હતું. જે પેટે 7.19 લાખ 1 ટકા લેખે રિટર્ન પણ મળ્યું હતું.
પરંતુ તે પછીથી રિટર્ન આવતું અચાનક બંધ થઈ ગયું હતું. જેથી નીલરાજે તપાસ કરતા ષિકેશ પંડયાએ ઘણા લોકોના રૂપિયા 1 ટકા રીટર્નની લાલચ આપી રોકાણ કરાવ્યા છે. જેમાં તેના ઉવારસદનાં મિત્ર રોહિત પટેલ જોડે પણ સાડા ત્રણ લાખનું રોકાણ કરાવી માત્ર 91 હજાર જ રિટર્ન ચૂકવ્યું હતું. આમ, પોતાની સાથે ષિકેશ પંડયાએ 13.61 લાખ અને તેના મિત્રનાં 2.59 લાખ મળીને 16.20 લાખની છેતરપિંડી થયાનો અહેસાસ થતાં અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને ત્રણેય આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500