રાણપુરનાં યુવકને અમદાવાદની લૂંટેરી દુલ્હન ભેટી ગઈ હતી. ગૃહસ્થ જીવન બાંધવાના મોટા સપનાઓ સાથે યુવાને સવા લાખ રૂપિયા રોકડા આપી યુવતી સાથે લગ્ન કર્યા બાદ ઘરમાંથી ૨૦ હજારની રોકડ અને મોબાઈલ ફોન લઈ લૂંટેરી દુલ્હન પ્રથમ રાણપુરથી નાસી ગયા બાદ અમદાવાદમાં આવેલા ભાડાનાં મકાનને પણ ખાલી કરી યુવતી અને માતા-પિતાની ઓળખ આપનારા મહિલા અને શખ્સ રફુચક્કર થઈ ગયા હતા.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, રાણપુર શહેરના પરામાં, મિનારા મસ્જિદ સામે, શેરી નં.૩માં રહેતા યોગેશભાઈ ભીખાભાઈ ધારિયા (ઉ.વ.36)એ અમદાવાદનાં વટવા ખાતે ચાર માળિયામાં અને બાદમાં વસ્ત્રાલ, પાંજરાપુર ચોકડી પાસે રહેતી શિવાનીબેન અશોકભાઈ પટેલ નામની યુવતી સાથે લગ્ન કરવા તેણીના માતા-પિતા તરીકે ઓળખ આપનાર અશોક દિલીપભાઈ પટેલ અને રેણુકાબેન અશોકભાઈ પટેલને લગ્નનાં અવેજ પેટે રૂપિયા ૧,૨૫,૦૦૦/- રોકડા અને કપડાંની ખરીદી પેટે રૂપિયા ૫,૦૦૦/- આપ્યા હતા.
ત્યારબાદ શિવાની લગ્ન કરી યુવક સાથે રહેતી હોય, ગત તા.૧૮/૦૧/૨૦૨૨નાં રોજ કોઈને કહ્યા વિના ઠગભગત યુવતી રાખવા માટે આપેલા રોકડા રૂપિયા ૨૦,૦૦૦/- અને વીવો કંપનીનો મોબાઈલ ફોન લઈ અમદાવાદ ભાગી ગઈ હતી. ત્યાંથી પણ લૂંટેરી દુલ્હન અને તેના માતા-પિતાએ ભાડેથી રાખેલા મકાનને ખાલી કરી નાસી જઈ યુવક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જે બનાવ અંગે યોગેશભાઈ ધારિયાએ ગુરૂવારે શિવાની પટેલ, અશોક પટેલ અને રેણુકાબેન પટેલ સામે રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500