સુરત જિલ્લાના પલસાણા તાલુકાના પોલીસ મથકની હદમાં તરાજ ગામની સીમમાં ટેન્કરમાંથી જવલનશીલ કેમિકલની ચોરી થતી હોવાની બાતમીને આધારે પલસાણા પોલીસે સ્થળ પર રેડ કરી હતી. જ્યાં પોલીસે ત્રણ શખ્સોને ટેન્કરમાંથી કેમિકલ કાઢતા રંગેહાથ ઝડપી પાડી ૧ કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરી પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.
મળતી માહીતી મુજબ, પલસાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, પલસાણા તાલુકાના તરાજ ગામની સીમમાં સામરોદ જતા રોડ પાસે આસીફભાઇ શેખના ઘર પાસે બે ટેન્કર ઉભેલા છે અને તેમાંથી પાઈપ વડે ટેન્કરમાં રહેલ જવલનશીલ પ્રવાહીને કાઢી બેરલમાં ભરી રહ્યા છે. જે બાતમી આધારે પલસાણા પોલીસની ટીમે તાત્કાલીક ઘટના સ્થળે રેડ કરી હતી.
જ્યાંથી ૩૯૬૭ કીલો જવલનશીલ પ્રવાહી કિંમત ૭૨૯૭૭૮૫ રૂપિયા ટેન્કર નંગ ૨ જેની કિંમત ૫૦ લાખ, પ્લાસ્ટિકના બેરલો નંગ ૫૦ જેની કિંમત ૨૫ હજાર, મળી કુલ ૧૨૩૨૨૭૮૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આસીફ શેખ (રહે.તરાજ ગામ), ટેન્કરનો ચાલક સંજયકુમાર અનિલભાઇ બીંદ (ઉ.વ ૨૬) તથા બીજો ટેન્કરનો ચાલક મનીલાલ પંચમરામ બીંદ (ઉ.વ.૪૮., બંને રહે.આમદપુરગામ થાના- નિગોહ, જી.જોનપુર, ઉત્તરપ્રદેશ))ને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500