Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મજયંતીની ઉજવણી કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી

  • November 01, 2020 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની જન્મ જયંતી નિમિત્તે  વિશ્વની  સરદાર સાહેબ ની સૌથી વિરાટ પ્રતિમા  સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે સરદાર સાહેબ નેવઆદરાંજલી આપતા જણાવ્યું કે આજનું ભારત તેના સાર્વભૌમત્વ અને સન્માનની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 

 

 

આજે ભારતની ધરતી પર નજર નાખનારાઓને યોગ્ય જવાબ મળી રહ્યો છે. આજનું ભારત સુરક્ષા માટે દેશની સરહદો ઉપર સેંકડો કિલોમીટરના રસ્તાઓ, પુલ અને ટનલો બનાવી રહ્યું છે.

 

 

પ્રધાનમંત્રીશ્રી એ સરદાર પટેલ જયંતિ ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે દેશભરમાં ઉજવવાની શરૂ કરેલી પરંપરા માં આજે તેમણે કેવડિયા માં   આયોજિતરાષ્ટ્રીય એકતા  પરેડ ની સલામી ઝીલી હતી.

 

 

શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ આ અવસરે આદિ કવિ મહર્ષિ વાલ્મીકિને યાદ કરીને ઉમેર્યું કે એક અદભુત સંયોગ એ છે કે આજે વાલ્મીકી જયંતિ પણ છે. ભારતની સાંસ્કૃતિક એકતાનો જે અનુભવ આપણે કરીએ છીએ એને વધુ જીવંત અને શક્તિશાળી બનાવવાનું કામ સદીઓ પહેલા મહર્ષિ વાલ્મિકી દ્વારા કરવામાં આવ્યું હતું.

 

 

તેમણે આ ઉપરાંત તમિલના આદિ કવિ સુબ્રમણ્યમ ભારતી, જાણીતા હિન્દી કવિ રામધારી સિંહ દિનકરને યાદ કરીને ભારતની એકતા, અખંડિતતા અને આ દેશના સ્વર્ણિમ વારસાનું પણ  ભાવસભર સ્મરણ કર્યું હતું.

 

 

વૈશ્વિક મહામારી કોરોના સામે સમગ્ર વિશ્વ આજે લડી રહ્યું છે ત્યારે આ રોગચાળા સામે ભારતે જે રીતે તાકાત અને ઇચ્છાશક્તિથી સામનો કરીને જે લડત આપી છે તે અભૂતપૂર્વ છે. દેશભરમાં કોરોનાની આ લડતમાં માનવ જીવનને બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર કોરોના વોરિયર્સ ને યાદ કરીને તેમના સમર્પણને પણ પ્રધાનમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા. માનવીની મહામૂલી જિંદગી બચાવવા માટે આપેલા આ બલિદાનના ઇતિહાસને આ દેશ ક્યારેય ભૂલશે નહીં એમ તેમણે રાષ્ટ્રજોગ પ્રવચન માં ઉમેર્યું હતું.

 

 

વડાપ્રધાનશ્રી એ કહ્યું કે સોમનાથના પુન:નિર્માણથી સરદાર સાહેબે ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો યજ્ઞ શરૂ કર્યો હતો, જે આજે કાશ્મીરમાં ૩૭૦ કલમ નાબુદી તથા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સહિતના કાર્યો થકી અખંડ ભારતના નિર્માણ સુધી વિસ્તર્યો છે. 

 

 

આજે આપણે ૧૩૦ કરોડ દેશવાસીઓ સાથે મળીને એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છીએ કે જે સશક્ત પણ હોય અને સક્ષમ પણ હોય. જેમાં સમાનતા પણ હોય અને સંભાવના પણ હોય.

 

 

પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું કે દુનિયાનો આધાર ખેડૂત અને મજદૂર ઉપર રહેલો છે. ત્યારે ખેડુતો અને મજદુરોને સશક્ત કરવા એ અમારો નિર્ધાર છે. ખેડૂત -ગરીબ સશક્ત ત્યારે જ બનશે જ્યારે તે આત્મનિર્ભર બનશે.

 

 

 આત્મનિર્ભર ભારતના મિશનને સાકાર કરવા માટે સૌ દેશવાસીઓ આજે સંકલ્પબદ્ધ બનશે તો ચોક્કસ આપણે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકીશું એવો સ્પષ્ટ મત તેમણે દર્શાવ્યો હતો.

 

 

તેમણે ઉમેર્યું કે દેશની સુરક્ષા કાજે પણ હવે આપણે આત્મનિર્ભર બનવામાં સફળ થઇ રહ્યા છીએ, જેના પરિણામે સીમાઓ ઉપર ભારતની નજર અને નજરીયો હવે બદલાઈ ગયો છે. આજે ભારતની ધરતી પર નજર નાખનારાઓને જડબાતોડ જવાબ મળી રહ્યો છે.

 

 

વૈશ્વિક આતંકવાદ સામે આજે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ત્યારે આ આપદાની પરિસ્થતિમાં ''આતંકવાદ'' સામે શાંતિના અને માનવતાના ઉપાસકો માટે  દેશમાં સૌએ એકજૂટ થવા ઉપર ભાર મૂકતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશમાં શાંતિ-ભાઈચારો તથા સદભાવના જ આતંકવાદનો મુકાબલો કરી શકે તેમ  છે. ભારતે આતંકવાદની  સૌથી વધુ પીડા ભોગવી છે. આતંકવાદ સામે લડતા  આ દેશે કેટલાક વીર જવાનો અને નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આપણે દુનિયાને ''સર્વે  ભવંતું સુખીન :'' અને ''વસુધૈવ કુટુંમ્બક્મ''ના સંદેશાઓ આપ્યા છે ત્યારે આપણે આપણી બોલી,ભાષા, પરિધાન, ખાનપાન, સંસ્કૃતિના વૈવિધ્યને જ ''ઐક્ય'' માનીને આ અદ્વિતીય તથા અસાધારણ ધરોહરને જ તોડી, લોકો-લોકો વચ્ચે ખાઈ ઉભી કરનારી તાકાતોને ઓળખીને તેનો સામનો  કરવો જ પડશે.

 

 

  આ પ્રકારના વિભાજન કરનારી તાકાત દેશમાં પ્રવૃત થઇ છે, જેનાથી સતર્ક  બનવું પડશે.

 

 

સુરક્ષા દળોની આજની પરેડ જોઈને ''પુલવામા હુમલા'' ની  યાદ તાજી કરતા, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તત્કાલીન સમયે જયારે દેશ દુઃખમાં હતો ત્યારે પણ કેટલાક લોકો તેમના રાજનૈતિક સ્વાર્થને સાધવામાં પડ્યા હતા અને પુલવામા હુમલા વિષે બેફામ નિવેદનબાજી કરતા હતા. 

 

 

આ પ્રકારના હીન આક્ષેપો તથા ભદ્દી માનસિકતા ધરાવતા લોકોને તાજેતરમાં લપડાક લાગી જયારે પાડોશી દેશની સંસદમાં પુલવામા હુમલા અંગેના ખુલાસાઓ થયા. 

 

 

  હું આવા રાજનૈતિક દળોને કહેવા માંગીશ કે, દેશહિત અને સુરક્ષા દળોના મનોબળને તોડી પાડતા દેશવિરોધી તત્વો માટે થતી રાજનીતિ તમને માત્ર દેશવિરોધી તાકાતના ''મ્હોરા'' બનાવશે, જે તમારા દળ કે દેશના ભલાથી વિપરીત હશે !

 

 

 

આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી હરદીપસિંગજી પૂરી, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, છોટા ઉદેપુરના સાંસદ સુશ્રી ગીતાબેન રાઠવા સહિતના પદાધિકારીઓ તથા રાજ્યના મુખ્ય સચિવ શ્રી ડૉ. અનિલ મુકીમ, વન વિભાગના અગ્ર સચિવ શ્રી ડૉ રાજીવકુમાર ગુપ્તા, ગૃહ વિભાગના અગ્ર સચિવ સુશ્રી સંગીતા સિંઘ, પોલીસ રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application