ચીનની તિબેટ એરલાઈન્સનું વિમાન ચોંગકિંગનાં એરપોર્ટ પર ટેક-ઓફ દરમિયાન રેન-વે પરથી ઉતરી ગયું હતું. વિમાન લપસી જતાં આગ ફાટી નીકળી હતી, જેમાં 40ને ઈજા પહોંચી હતી. જયારે વિમાનમાં 113 મુસાફરો અને 9 ક્રુ મેમ્બર્સ સહિત કુલ 122 લોકો સવાર હતા. દુર્ઘટનાની તપાસનો આદેશ અપાયો હતો. ચીનની તિબેટ એરલાઈન્સના વિમાનનો ચોંગકિંગના એરપોર્ટમાં અકસ્માત થયો હતો. વિમાન ટેક-ઓફ કરી રહ્યું હતું એ વખતે અચાનક રન-વે પરથી ઉતરી ગયું હતું. વિમાન રનવે પરથી ઉતરીને પલટી ગયું હતું, તે દરમિયાન આગ ફાટી નીકળી હતી, જેમાં 40 મુસાફરોને ઈજા પહોંચી હતી.
જોકે, એરપોર્ટ ઓથોરિટીએ તુરંત બચાવ કામગીરી શરૂ કરી દેતા વિમાનમાં સવાર 9 ક્રુ મેમ્બર્સ સહિત 122 લોકોનું રેસ્ક્યૂ કરી લેવાયું હતું. ઘાયલ થયેલા તમામ 40ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચીનની તિબેટ એરલાઈન્સનું વિમાન ચીનના ચોંગકિંગ શહેરથી તિબેટના ન્યીંગચી શહેર જવા માટે નીકળ્યું હતું. એમાં 113 મુસાફરો સવાર હતા અને 9 ક્રૂ મેમ્બર્સ હતા. ચીનના સિવિલ એવિએશન વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે, દુર્ઘટના બાબતે તપાસનો આદેશ અપાયો છે. તમામ મુસાફરોને હેમખેમ બહાર કાઢીને તેમના મેડિકલ ટેસ્ટિંગ થયા હતા.
એરપોર્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં અકસ્માતના દૃશ્યો કેદ થઈ ગયા હતા. આ વિડિયો ચીન અને તિબેટના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિમાનમાં આગ લાગી જતાં લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક અસરથી બધી જ ફ્લાઈટ રદ્ કરી દીધી હતી. ચીનમાં છેલ્લાં બે મહિનામાં આ બીજો વિમાની અકસ્માત છે. અગાઉ ગત તા.12મી માર્ચે બોઈંગ-737 વિમાન દુર્ગમ પહાડીઓની વચ્ચે તૂટી પડયું હતું, જેમાં તમામ 132 મુસાફરોનાં મોત થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500