હિંડનબર્ગ કેસના વિવાદમાં સુપ્રીમ કોર્ટે અદાણી જૂથને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, અદાણી સામે વધુ કોઈ તપાસની જરૂર નથી. તેના પરના છેતરપિંડીના આરોપોની સી.બી.આઇ. કે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) પાસેથી તપાસ કરાવવાની કોઈ જરૂરિયાત નથી. તેની સાથે SEBI આગામી ત્રણ મહિનામાં અદાણી સામે ચાલતી તપાસ પૂરી કરી રિપોર્ટ આપે તેમ જણાવ્યું હતું. અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગે રિસર્ચેના અદાણીએ શેરમાં ગેરરીતિ આચરી હોવાના અને હિસાબી છેતરપિંડી કરી હોવાના આરોપોના પગલે થર્ડ પાર્ટી તપાસની અરજીઓની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ, ન્યાયાધીશ જે.બી.પારડીવાલા અને મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે, SEBIએ આ કેસમાં સર્વગ્રાહી તપાસ કરી છે અને તેની તપાસ વિશ્વસનીય છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ 17મે’ના રોજ અદાણી જૂથ સામે દાખલ કરવામાં આવેલા બે ડઝન કેસની તપાસ 14 ઓગસ્ટ સુધીમાં પૂરી કરવા આદેશ આપ્યો હતો. SEBIએ તેમા 24માંથી સાત મુદ્દા પડતર હોવાના લીધે તપાસ પૂરી કરવા વધુ 15થી વધુ દિવસનો સમય માંગ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં SEBIએ કોર્ટને જણાવ્યું હતું કે, તે હવે તપાસમાં કોઈપણ પ્રકારનું એક્સ્ટેન્શન માંગતી નથી, કારણ કે 22 મુદ્દાઓને લઈને તપાસ પૂરી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે બુધવારે માર્કેટ રેગ્યુલેટરને જણાવ્યું હતું કે, તે પડતર તપાસને ત્રણ મહિનાની અંદર ઝડપથી પૂરી કરે. આ કેસમાં જાહેર હિતની અરજીઓને નકારી કાઢતા કોર્ટે જણાવ્યું હતું કે આ કેસની હકીકતો જોતા સિટ કે CBIને તપાસ સોંપવાની જરૂરિયાત લાગતી નથી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીઅ ચુકાદાને વધાવતો જણાવ્યું હતું કે, છેવટે સત્યનો વિજય થયો. હિંડનબર્ગના રિપોર્ટના પગલે તેમની 60 અબજ ડોલરની સંપત્તિ ખતમ થઈ ગઈ હતી.
સુપ્રીમ કોર્ટના સાનુકૂળ ચુકાદાના પગલે ઘટતા બજાર વચ્ચે પણ અદાણીના શેરોમાં તેજી હતી. ગ્રુપ કંપનીઓના શેરોનું મૂલ્ય લગભગ 64,000 કરોડ ઉચકાયુ હતું. તેના પગલે અદાણી જૂથની 10 લિસ્ટેડ કંપનીઓનું બજારમૂલ્ય 15.1 લાખ કરોડને આંબી ગયું છે. જોકે તેનું માર્કેટ કેપ જાન્યુઆરી 2023ના રોજ 19.23 લાખ કરોડની ટોચ પર પહોંચ્યું હતું તેનાથી તો હજી નીચે છે. અદાણીએ એક્સ પર તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાએ દર્શાવ્યું છે કે સત્યનો વિજય થયો છે. સત્યમેવ જયતે. જ્યારે આ મુદ્દે આક્રમક વલણ અપનાવર વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સેબી પર અસાધારણ વિશ્વાસ દાખવ્યો છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો પક્ષ ક્રોની કેપિટલિઝમ અંગેનું તેમનું વલણ જારી રાખશે. સુપ્રીમ કોર્ટે તેના 46 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે અદાણી સામે જાહેર હિતની અરજી કરનારા અરજદારોની અરજીનો આધાર અખબારી લેખો કે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) જેવી થર્ડ પાર્ટી સંસ્થાના અહેવાલો છે. આવી સંસ્થાની તુલનાએ સેબી જેવી વિશ્વસનીય તપાસ સંસ્થાએ કરેલી તપાસ સામે કોઈ સવાલ ઉઠાવી શકાય નહીં. આના લીધે આ કેસ SEBI પાસેથી સીબીઆઇ કે સિટ કોઈને સોંપવાની જરુરિયાત વર્તાતી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500