આર્થિક કટોકટીની વચ્ચે શ્રીલંકામાં બે મહિનામાં ત્રણ વાર ઇંધણની કીંમતોમા ભારે વૃદ્ધિ કરી મોંધવારીની મારનો સામનો કરી રહેલા દેશની પ્રજા પર વધુ બોજ નાખી દીધો છે. સરકારે પેટ્રોલનાં ભાવમાં 50 અને ડીઝલમાં 60 શ્રીલંકા રૂપિયાનો વધારો કર્યો છે. તાજેતરની જાહેરાત પછી શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ વધીને 470 શ્રીલંકન રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને 460 શ્રીલંકન રૂપિયા થઇ ગયો છે.
જોકે ઇંધણની અછતને કારણે આગામી સપ્તાહ સુધી મર્યાદિત પેટ્રોલ પંપો પર જ ઇંધણનો પુરવઠો ઉપલબંધ રહે છે. સરકાર હસ્તકની સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (સીપીસી)એ ઇંધણનાં વધારેલા ભાવ રવિવારથી અમલમાં મૂકવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત તા.24 મેના રોજ પેટ્રોલનાં ભાવમાં 24 ટકા અને ડીઝલના ભાવમાં 38 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જયારે ગત તા.19 એપ્રિલથી અત્યાર સુધીમાં ઇંધણના ભાવમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. ઉર્જા પ્રધાન કંચન વિજસેકરાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, મને ખેદ છે કે સીપીસીએ મને જણાવ્યું છે કે પુરવઠા કર્તાઓએ વર્તમાન સપ્તાહ સુધી પેટ્રોલિયમ, ડીઝલ પહોચાડવાની ખાતરી આપી હતી.
જોકે ત્યારબાદ લોજિસ્ટિક સહિતના કારણોસર પુરવઠો પહોંચાડવામાં અસમર્થતા દર્શાવી હતી. પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આગામી પુરવઠો પહોચવા સુધી જાહેર પરિવહન, વીજળી ઉત્પાદન અને ઉદ્યોગોને પ્રાથમિકતાના આધારે ઇંધણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે આગામી સપ્તાહ સુધી મર્યાદિત ફિલિંગ સ્ટેશનો સુધી જ ઇંધણ પુરુ પાડવામાં આવશે.
છેલ્લા ઘણા દિવસોથી શ્રીલંકામાં ઇંધણની અછત છે. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામા પરિવહન વ્યવસ્થા ઠપ થઇ ગઇ છે. સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવ એટલા વધી ગયા છે કે, લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે હજાર વખત વિચારવું પડશે.
શ્રીલંકામાં પાકિસ્તાનથી પણ મોંઘું ઇંધણ મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર તા.16 જૂનથી પાકિસ્તાનમાં પેટ્રોલની કીંમત 233.89 પાકિસ્તાની રૂપિયા હતી અને ડીઝલની કીંમત 263.31 રૂપિયા છે. આમ શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ પાકિસ્તાનથી પણ બમણા થઇ ગયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500