દિલ્હીમાં પ્રદુષણ હવે તેની ચરમ સીમાએ પહોંચી ગયું છે અને લોકોનાં જીવને જોખમ ઉભુ થઇ રહ્યું છે જેમાં એર ક્વોલિટી અત્યંત ખરાબ થઇ જતા હવે સમગ્ર NCRમાં નિર્માણકામ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. એવા દરેક ચણતર કામ કે જેમાં ધુળ ઉડતી હોય વગેરે પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે માત્ર હોસ્પિટલ કે ઇમર્જન્સી લેવા માટેના નિર્માણ કાર્યો જ શરૂ રાખી શકાશે. જે પણ પ્રતિબંધ મુકવામાં આવ્યા છે તેમાં ઇમારતો તોડવી, પથ્થરો તોડવા, ખનન વગેરેનો પણ સમાવેશ થાય છે. ઇંટ, ભઠ્ઠા, હોટ મિક્સ સંયંત્રો વગેરે પર કાર્યવાહી કરાશે. આ સાથે જ લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ, સાઇકલ, પગપાળા જવાને પ્રાથમિક્તા આપવા અપીલ કરવામાં આવી રહી છે કે જેથી વાહનોનો ઉપયોગ ઓછો થાય અને પ્રદુષણ ઘટાડવામાં મદદ મળી રહે.
આ ઉપરાંત લોકોને કોલસા, લાકડા, પ્લાસ્ટિક વગેરે ન સળગાવવાની અપીલ પણ કરાઇ રહી છે. સાથે જ જો બહુ જ જરૂરી કામ ન હોય તો ઘરોમાં જ રહેવાની લોકોને વિનંતી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં એરક્વોલિટી ઇન્ડેક્સ 398 પર પહોંચી ગયો હતો. જે અત્યંત ગંભીર સ્થિતિ માનવામાં આવે છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. જેને પગલે લોકોને માસ્ક પહેરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. નિષ્ણાતોનો દાવો છે કે, પ્રદુષણમાં N-95 માસ્ક ઉપયોગી સાબિત થઇ શકે છે.
જોકે એવુ અનુમાન છે કે, એર ક્વોલિટી હજુ પણ ખરાબ સ્થિતિ પર પહોંચી શકે છે અને 401થી 450નું સ્તર પણ પાર કરી શકે છે. નિષ્ણાતોનાં મતે જો એરક્વોલિટી 401ને પાર જતી રહે તો એક વ્યક્તિ દિવસમાં 33 સિગારેટ પીવે તેટલી અસર તેના શરીર પર આ ખરાબ એર ક્વોલિટીની થશે. જેને પગલે હ્ય્દય, શ્વાસની બિમારીઓનું પ્રમાણ વધશે. ફેફસામાં પણ તકલીફ ઉભી થઇ શકે છે. બાળકો અને વૃદ્ધો પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. લોકોને ઘરોની બારીઓ અને દરવાજા બંધ રાખવાની અપીલ કરાઇ રહી છે. દિલ્હીમાં દિવાળી સમયે ફટાકડા ફોડવામાં આવ્ય તે બાદ જ એર ક્વોલિટી ખરાબ થતી જાય છે અને હવે આસપાસનાં વિસ્તારોમાં પરાળી સળગાવવાનું પણ વધી રહ્યું છે તેથી એર ક્વોલિટી ખરાબ થઇ ગઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500