સરહદી કચ્છને તબાહ કરનારા ૨૧ જુલાઇ ૧૯૫૬ના રોજ અંજારમાં આવેલા ભયાવહ ભૂકંપની ૬૭મી વરસીના દિવસની સાંજે અનુભવાયેલા ડરામણા અવાજ સાથેના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર ગત શુક્રવારે સાંજે ૬ અને ૧૩ કલાકે પૂર્વ તરફના ભચાઉથી ૨૬ કિ.મી. દૂર દક્ષિણ-દક્ષિણ-પૂર્વ દિશામાં સામખિયાળી-માળીયા વચ્ચેની દરિયાઈ ખાડીમાં સુરાજબારી નજીક નવું કેન્દ્રબિંદુ ધરાવતો ૨.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો જમીનથી માત્ર ૩.૬ કિ.મી.ની ઊંડાઇએ આવ્યો હતો,અત્રે ઉલ્લેખનીય છે કે, વિનાશક ધરતીકંપ માટે અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવતા કચ્છમાં આફ્ટરશોકનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોમાં ચિંતાજનક રીતે વધ્યું છે જેમાં ખાસ કરીને વાગડ ફોલ્ટ લાઈન પર તેની સંખ્યા વિશેષ રહેવા પામી છે.
નવાં કેંદ્રબિન્દુઓ પર શરૂ થયેલા આંચકાઓએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. વળી ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ લાંબા સમય બાદ એક પછી એક ૨ની તીવ્રતાથી લઇ ૪.૫ની તીવ્રતાના ભૂકંપના ઝટકા નોંધાઈ ચુક્યા છે. ગત ૧૭મી જુલાઈની સવારે સીમાવર્તી લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરથી પશ્ર્ચિમ-દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાં ૨૭ કિ.મી.ના અંતરે ૨.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકાએ હાજરી પૂરાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૧મી જુલાઇ ૧૯૫૬ની રાત્રે નવ વાગ્યે અંજાર પાસે કેન્દ્રબિંદુ ધરાવતા ભયાવહ ભૂકંપમાં ૧૧૫ લોકોનાં મોત થયાં હતાં. ૫૫૦ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ભૂકંપની અસર ભુજ અને ભચાઉ સુધી વિશેષ વર્તાઇ હતી. આ અગાઉ લખપત પાસેના રણમાં ઈ.સ ૧૮૧૯માં ભયાવહ ભૂકંપ આવ્યો હતો જેમાં વ્યાપક ખાના-ખરાબી થઇ હતી. ભૂકંપના કારણે કુદરતી રીતે કચ્છના રણમાં અલ્લાહ બંધ નિર્માણ પામ્યો હતો જેના કારણે સિંધુ નદીના વહેણ પાકિસ્તાન તરફ વળી જતાં કચ્છનું લખપત વેરાન બન્યું હતું. આ ભૂકંપનો અહેવાલ અંજાર રહેતા મેકમરડો નામના ભુરીયા બાવા તરીકે ઓળખાતા બ્રિટિશ પોલિટિકલ એજન્ટએ તેની ડાયરીમાં વર્ણવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500