Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ગ્રામ પંચાયતની ગ્રામસભા યોજવાની બાબતે પાંચ ગામના લોકોએ વિરોધ કરી ચક્કાજામ કર્યા,ચાર કલાક જેટલો સમય સોનગઢ-ઉકાઈ રોડ બંધ રહ્યો

  • November 01, 2022 

ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતની ખાસ ગ્રામસભા અગાઉથી જાહેર કરેલી તારીખ મુજબ સોમવારે યોજવાની તૈયારી કરવામાં આવી હતી.જોકે આ ગ્રામસભામાં ઉપસ્થિત પાંચ જેટલાં ગામના લોકોએ ગ્રામસભા યોજવા પહેલા અગાઉની ગ્રામસભામાં થયેલા ઠરાવો ઓનલાઈન કરવાની માંગ મૂકી રસ્તા પર બેસી ગયા હતાં, અંતે વહીવટદાર દ્વારા દસ દિવસમાં ઠરાવો ઓનલાઈન કરવાની ખાતરી આપી હતી. વહીવટી તંત્ર દ્વારા અન્ય પેન્ડિંગ પ્રશ્નો બાબતે પણ હકારાત્મક અભિગમ દાખવવામાં આવતાં ચાર કલાક બાદ લોકો રસ્તા પરથી ઉઠ્યા હતાં.




સોનગઢના ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતમાંથી વાગદા ગામ છૂટું કરી તેની અલગ પંચાયત બનાવવાના કારણે ઉકાઈ ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી અને હાલ પંચાયતમાં વહીવદારનું શાસન ચાલી રહ્યું છે,આ ગ્રામ પંચાયતની સામાન્ય ગ્રામસભા ગત 17 મી ઓકટોબર ના દિવસે જાહેર કરવામાં આવી હતી અને એ ગ્રામ સભામાં એજેન્ડા મુજબ કુલ 18 જેટલાં પ્રશ્નોની ચર્ચા કરવામાં આવનાર હતી. જોકે એ દિવસે ગ્રામસભામાં સક્ષમ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ન હોવાથી લોકોએ ભારે વિરોધ દાખવતાં આખરે સભા મુલતવી રાખવામાં આવી હતી.




આ જ રીતે ઉકાઈ ગ્રામ પંચાયતની ફરી 31 મી ઓક્ટોબર ના રોજ એકતા દિવસ નિમિત્તે પણ ખાસ ગ્રામસભા યોજવાની જાહેરાત કરવામાં આવતાં પંચાયતમાં સમાવિષ્ટ પાંચ ગામના લોકો પોતાના પ્રશ્નો સાથે મોટી સંખ્યામાં પંચાયત કચેરી પાસે ઉમટી પડ્યા હતાં.જો કેસોમવારે પણ ગ્રામસભામાં લોકો ના પ્રશ્ન લેવામાં આવનાર ન હોય તેઓ વિફર્યા હતાં અને સવારે 11 કલાક થી ઉકાઈ સોનગઢ રોડ પર બેસી જઈ ચક્કાજામ કરી દીધા હતાં જેથી ઉકાઈ થી સોનગઢ તરફ જતાં રોડ પરનો વાહનવ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઇ નયન ચૌહાણ સહિત તાપી એલસીબી,ઉકાઈ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી રસ્તો ખોલાવવા માટે આદિવાસી અગ્રણીઓ સાથે મસલત શરૂ કરી હતી.



જોકે ગ્રામજનો અને અગ્રણીઓના જણાવ્યાં પ્રમાણે ભૂતકાળમાં યોજાયેલી ગ્રામસભાની કાર્યવાહી નિયમોનુસાર હજી સુધી ઓનલાઈન કરવામાં નથી આવી જેથી સરકાર પક્ષે તેમાં કોઈ ઠરાવમાં સુધારો કે નવો ઠરાવ લખવામાં આવનાર હોવાની શંકા આગેવાનો એ વ્યક્ત કરી હતી.ચક્કાજામ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ અને અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં અને તેમણે પણ આંદોલનકારીઓ સાથે માંગણીઓને લઈને વિચાર વિમર્શ કર્યો હતો. આખરે ચાર કલાક બાદ બપોર ના સમયે પોલીસ તંત્રની મધ્યસ્થી બાદ ચાર મુદ્દા સાથે સમજૂતી થઈ હતી અને તેની જાહેરાત અગ્રણીઓ અને ઉકાઈ પંચાયત ના વહીવતદારે કરી હતી બાદમાં આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હોવાની જાહેરાત અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી.આ જાહેરાત ના પગલે ઉકાઈ રોડ ખુલ્યો હતો અને વાહનવ્યવહાર યથાવત શરૂ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application