યુકેમાં ઓમિક્રોનના કેસોની સંખ્યામાં ઘટાડો થવાને પગલે માસ્ક પહેરવામાંથી અને કોવિડ પાસ બતાવવામાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. સરકારે ગયા સપ્તાહે જ લોકોને ઘરે કામ કરવામાંથી મુક્તિ આપી દીધી હતી. આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદે જણાવ્યું હતું કે, આપણે કોરોના સાથે જીવવાનું શીખી રહ્યા છીએ અને આપણે બાબતે સ્પષ્ટ રહેવાનુ છે કે, આ કોરોના વાઇરસ ક્યાંય જવાનો નથી. ગુરૂવારથી ઇંગ્લેન્ડમાં મોં પર માસ્ક પહેરવાનું જરૂરી નથી અને જાહેર કાર્યક્રમો કે નાઇટ કલબમાં પ્રવેશ કરવા માટે કોવિડ પાસ બતાવવાની જરૂર નથી.આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, 12 વર્ષ કરતાં મોટી વયના 84 ટકા લોકોને કોરોના રસીનો બીજો ડોઝ અને 81 ટકાને બૂસ્ટર ડોઝ આપી દેવામાં આવ્યો છે. નવા વર્ષની આસપાસ દૈનિક 2 લાખ કેસો નોંધાતા હતા તેની સામે હાલ દૈનિક ધોરણે એક લાખ કેસો નોંધાઇ રહ્યા છે. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે દેશમાં ઓમિક્રોનના ચેપની ટોચ આવી ગઇ છે. દરમિયાન યુએસમાં કોરોનાના નવા 6,53,120 કેસ નોંધાયા હતા અને 4040 જણાના મોત થયા હતા. યુએસમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 72,910,136 અને મરણાંક 8,76,065 થયો છે. જ્યારે રશિયામાં કોરોનાના નવા 88,816 કેસ અને 665 જણાના મોત થયા હતા. મેકિસકોમાં કોરોનાના નવા 48,627 કેસો અને 532ના મોત નોંધાયા હતા. ઓસ્ટ્રેલિયામાં કોરોનાના નવા 46,195 કેસો અને 59 જણાના મોત નોંધાયા હતા.બીજી તરફ ફિલિપાઇન્સમાં મનિલામાં આવેલા વિશ્વ આરોગ્ય સંસ્થાના વેસ્ટર્ન પેસેફિક વિસ્તારના ડાયરેક્ટરનું વર્તન વર્ણભેદી અને અણછાજતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં આ મામલે આંતરિક ફરિયાદ કરવામાં આવી હતી અને ફરી ગયા સપ્તાહે હૂના ચિંતિત સ્ટાફ દ્વારા ઇ-મેઇલ ફરિયાદ કરવામાં આવી હતી. વેસ્ટર્ન પેસેફિકના ડાયરેકટર ડો.તાકેશી કાસાઇ સામે કરવામાં આવેલી ઇ-મેઇલ ફરિયાદ 30 કર્મચારીઓએ લખી છે જેમાં 50 જણાના અનુભવ વર્ણવાયા હોવાનું મનાય છે. એસોસિએટ પ્રેસ સમાચાર સંસ્થા દ્વારા મેળવવામાં આવેલા મિટિંગના રેકોર્ડમાં કાસાઇ વર્ણભેદી ભાષા વાપરતાં હોવાનું જણાય છે. કાસાઇના આકરાં વર્તનને કારણે છેલ્લા દોઢ વર્ષમાં 55 મહત્વના કર્મચારીઓ સંગઠન છોડી ગયા છે અને તેમની જગ્યાઓ હજી ભરવામાં આવી નથી.જોકે, ડો.કાસાઇએ વર્ણભેદી અને અનૈતિક વર્તન આચર્યું હોવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇ-મેઇલ મળ્યા બાદ મેં મારા તમામ સ્ટાફ સાથે સંપર્ક કરવા પગલાં ભર્યા છે. દરમિયાન યુકેમાં વિજ્ઞાનીઓએ લેબ ઇન બેક પેક તરીકે ઓળખાતો કોરોના ટેસ્ટ વિકસાવ્યો છે. માત્ર 51 ડોલરના ખર્ચમાં બનાવવામાં આવેલી આ નાનકડી લેબનો ટેસ્ટ કમર્શિયલી ઉપલબ્ધ કોરોના ટેસ્ટ જેટલો જ ચોકસાઇભર્યો જણાયો છે. ગરીબ દેશોંમાં અંતરિયાળ વિસ્તારોમાં આ ટેસ્ટ વધારે ઉપયોગી બની રહે તેમ છે. લંડનની ક્વિન મેરી યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટોયાન સ્મુકોવે જણાવ્યું હતું કે, આ મોબાઇલ ટેસ્ટ સસ્તી ટેસ્ટિંગ ટેકનોલોજી સહુંને ઉપલબ્ધ કરાવવામાં સહાયરૂપ બની શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500