Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં આખરે પાટીદારો આવ્યા

  • April 05, 2024 

રૂપાલાનો વિવાદ લોકસભાની ચૂંટણી પહેલાં 2 સમાજોને સામસામે લાવે તેવી સ્થિતિઓ પેદા કરી રહ્યો છે. ક્ષત્રિયો ઝૂકવાના મૂડમાં નથી એ સામે હવે પાટીદારો આગળ આવ્યા છે. રૂપાલા સમર્થકોએ હવે સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું છે. ભાજપ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી હવે આગામી દિવસોમાં રાજકોટથી ફેલાયેલી આગ દેશભરમાં ફેલાય તો નવાઈ નહીં. આ આગને કોણ પેટ્રોલ છાંટી રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે. દિલ્હી હાઈકમાન્ડની ચૂપકીદી પણ હવે ગુજરાતમાં ચર્ચામાં આવી છે. રૂપાલાને હટાવવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. કોઈપણ કિંમતે રૂપાલાને માફ કરવા ક્ષત્રિયો તૈયાર નથી. બસ એક જ માગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરો. તો બીજી તરફ, પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધની આગ ઠારવા હવે ખુદ પાટીદારો મેદાને ઉતર્યા છે. બે-બે વાર માફી માંગવા છતાં આટલો વિરોધ યોગ્ય નથી તેવી પાટીદારોએ સોશિયલ મીડિયા અનેક પોસ્ટ કરીને આરપારની જંગ શરૂ કરી. ત્યારે હવે પરશોત્તમ રૂપાલા સામેની ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી છે.


ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ રૂપાલાનો વિરોધ થવાનો એંધાણ છે. રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ક્ષત્રિયોને વિરોધમાં જોડવા ચર્ચા ઉઠી છે. ક્ષત્રિય સમાજ વારંવાર કહી રહ્યો છે કે આ પાટીદાર સમાજ સામે નહીં પણ રૂપાલા સામે વિરોધ છે પણ હવે પાટીદાર યુવાઓ રૂપાલાના સમર્થનમાં આગળ આવી રહ્યાં છે. આ વિવાદ વકર્યો તો ગુજરાતમાં 2 કોમ સામ સામે આવે છે. હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહેલો વિરોધ જમીન ન પર ન ઉતરે એ માટે સરકારે જાગવાની જરૂર છે. હાલમાં સરકારની ચૂપકીદી પણ 2 સમાજને અકળાવી રહી છે. હવે રૂપાલા મામલે સોશિયલ મીડિયામાં પોસ્ટર વોરથી ક્ષત્રિય સમાજ પણ સામે આવે તેવી પૂરી સંભાવના છે. આગામી દિવસોમાં આ વિવાદ ગુજરાત સળગાવે તો પણ નવાઈ નહીં. આખરે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદારો આવ્યા છે. આ માટે રાજકોટમાં આજે સાંજે પાટીદારોની ચિંતન બેઠક યોજાશે.


કડવા અને લેઉવા પાટીદારોની સંયુક્ત બેઠકનું આયોજન કરાયું છે. પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ છે. માફી માગવા છતાં ક્ષત્રિયોના વિરોધથી પાટીદારો નારાજ થયા છે.  સૌરાષ્ટ્રના SPG અધ્યક્ષ કલ્પેશ રાંકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પરસોત્તમ રૂપાલાને સમર્થન આપ્યું છે. પરસોતમ રૂપાલા માફી માંગી છતાં વિરોધ કરતા SPG રૂપાલના સમર્થનમાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ દ્વારા હવે પરસોતમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. પરસોતમ રૂપાલાને તમામ રીતે સહયોગ આપી SPG મદદ કરશે. ટીકીટ રદ ન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે, ક્ષત્રિય સમાજના આગેવાન અને પાટીદાર વચ્ચેની ઓડિયો બાબતે પોલીસમાં અરજી કરાશે.  અમદાવાદ રૂપાલા અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજની અનોખી રણનીતિમાં મહાસંમેલન અંગે મીટિંગ યોજાઈ હતી.


મહાસંમેલન આયોજન રણનીતિ અંગે ધંધુકા રાજપૂત સમાજ બોર્ડિંગ ખાતે મહા બેઠક યોજાઈ હતી. 2 જિલ્લાના 4 તાલુકાના 500 થી વધુ ક્ષત્રિય યુવાનો આગેવાનો 3 કલાકની શોર્ટ નોટિસ પર એકત્રિત થયા હતા. અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તેમજ બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાળા તાલુકાના ક્ષત્રિયો મહાસંમેલન રણનીતિ અંગે ચર્ચા કરાઈ હતી. ધંધુકા ખાતેની ચુડાસમા રાજપુત સમાજની બોર્ડિંગ ખાતે બેઠક યોજાઈ હતી. ધંધુકા ખાતે આગામી 7 એપ્રિલ, રવિવારના રોજ સાંજના સમયે હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહિલા, યુવાનો અને આગેવાનોનું મહાસંમેલન યોજાશે. ઉપસ્થિત સૌએ એકસુરે રૂપાલાના બફાટ અંગે વિરોધ વ્યક્ત કરતા ટિકિટ રદ્દ કરવા માંગ કરી છે. ત્યારે મહાસંમેલનને લઈ રૂપાલા અને ભાજપની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. રૂપાલા મામલે વિરોધ વ્યકત કરી બેઠક અને આગામી મહાસંમેલન કાર્યક્રમ અંગે આગેવાનોએ પ્રતિક્રિયા આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application