અમદાવાદથી મુંબઈ જઇ રહેલ ગુજરાત એક્ષપ્રેસ ટ્રેનના સી-1 નંબરના કોચમાં AC બંધ થઈ જતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. જેના પગલે ટ્રેન 1 કલાક જેટલી મોડી પડી હતી. ભારે સમજાવટ અને કોચનું એસી શરૂ કરવાની ખાતરી આપ્યા બાદ ટ્રેન સુરત તરફ રવાના કરાવામાં આવી હતી. જોકે સુરત સુધી એસી ચાલુ નહિ થતા ફરી ટ્રેન અટકાવતા તાત્કાલિક સમારકામ કરી કોચનું એસી ચાલુ કરી ટ્રેનને આગળ રવાના કરાઈ હતી.
અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનું એક એસી ખોટકાતા વિફરેલા મુસાફરોએ અંકલેશ્વર રેલવે સ્ટેશને ટ્રેન અટકાવી દઈ હોબાળો મચાવતા તંત્ર, જીઆરપી અને આરપીએફ દોડતું થઈ ગયું હતું. મુસાફરોએ આટલું ભાડું એસી કોચનું ચૂકવતા હોય અને એર કન્ડીશન જ ના ચાલે તે કેવી રીતે ચલાવી લેવાય કહી આખા સ્ટેશન અને ટ્રેનના અન્ય સવાર તમામ મુસાફરોને પણ આ મુદ્દે ટ્રેન રોકી બાનમાં લીધા હોય તેવો ઘાટ સર્જાયો હતો.
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક તાજેતરમાં જ ઓવર હેડ કેબલ તૂટી પડતાં અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર 3 કલાક સુધી ખોરવાયો હતો ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી હતી. અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન નંબર 22954 ના કોચ નંબર સી-1 માં એસી બંધ થઈ જતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર ટ્રેન થંભાવી દિધી હતી અને લગભગ 20 મિનિટ સુધી વિરોધ વ્યક્ત કર્યો હતો.
જેના પગલે રેલ્વે પોલીસ અને અધિકારીઓ દોડતા થયા હતા. અધિકારીઓએ મુસાફરોને સમજાવી ટ્રેન આગળ રવાના કરી હતી જો કે સુરત રેલ્વે સ્ટેશન સુધી એસી ન ચાલુ થતાં ફરી ટ્રેન થોભાવી દેવામાં આવી હતી. જ્યાં રેલવેના અધિકારીઓએ તાત્કાલિક સમારકામ કર્યું હતું. એસી બંધ થવાના કારણે થયેલ વિવાદના પગલે ટ્રેન એક કલાક જેટલી મોડી પડી હતી અને અનેક મુસાફરોએ હેરાન થવાનો વારો આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500