ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં રહેતી પરણીતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. ઘટના અંગે પરિણીતાના પિતા દ્વારા તેણીના પતિ સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યા બાદ પુત્રી આપઘાત કર્યો હોવા અંગે ફરિયાદ નોંધાવતા પેથાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પીપળજ ગામે રહેતા શંકરજી પબજી વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પુત્રી નીલમબા ઉર્ફે જાનકીબાના લગ્ન વર્ષ 2020માં પેથાપુર ખાતે બાલાજી વિહાર સોસાયટીમાં રહેતા કૃષ્ણપાલસિંહ જયપાલસિંહ ચાવડા સાથે થયા હતા.
જોકે તેઓ ખેતરમાં હતા. તે દરમિયાન તેમની પુત્રીએ પેથાપુરમાં ગળે ફાંસો ખાઈ લીધો હોવાની જાણ થતા પત્ની સાથે તુરંત જ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં પોલીસ પણ પહોંચી હતી અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ તેમને સોંપવામાં આવ્યો હતો. પુત્રીના લગ્ન થયા બાદ જમાઈ કૃષ્ણપાલસિંહ દ્વારા તેણીને શારીરિક માનસિક આપવામાં આવતો હતો અને અવારનવાર હાથ પણ ઉપાડતા હતા. અઢી મહિના અગાઉ તેમની પુત્રી રિસાઈને ઘરે આવી હતી અને તેમના પતિને કલોલ ખાતે રહેતી યુવતી સાથે આડા સંબંધ હોવાથી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ પણ કરી હતી.
તેણીના સાસરિયાંઓ હવે આ પ્રકારનું વર્તન તેમના પુત્ર દ્વારા નહીં કરવામાં આવે તેમ સમજાવીને તેણીને લઈ ગયા હતા. જોકે આ ઘટનાના પાંચ દિવસ અગાઉ છે તેમની પુત્રીએ માતાને ફોન કર્યો હતો અને પતિ હજી પણ હેરાન કરતા હોવાની અને હાથ ઉપાડતા હોવાની ફરિયાદ કરી હતી અને જેથી કંટાળીને તેણીએ આ પગલું ભર્યું હોવા અંગે ફરિયાદ આપતા હાલ પેથાપુર પોલીસ દ્વારા પરણીતાના પતિ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500