Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારડીનાં ઉમરસાડીની જે.વી.બી. સ્મારક હાઈસ્કૂલમાં પ્રાકૃતિક કૃષિ કૌશલ્ય તાલીમ વર્ગનો નાણામંત્રીનાં હસ્તે શુભારંભ

  • May 29, 2023 

રાજ્યમાં સૌ પ્રથમવાર ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી, હાલોલ અને વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામ સ્થિત જે.વી.બી. સ્મારક હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે તા.૨૮ મે થી તા.૩ જૂન સુધી યોજાનાર પ્રાકૃતિક કૃષિ કૌશલ્ય તાલીમ વર્ગનો રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ આજરોજ પ્રારંભ કરાવ્યો હતો. પારડીની જે.વી.બી.સ્મારક હાઈસ્કૂલ ખાતે યોજાનાર સાત દિવસીય તાલીમ વર્ગના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે દુનિયાને વિશ્વ યોગ દિવસની ભેટ આપી છે. ત્યારબાદ પચવામાં સરળ અને પૌષ્ટીક આહાર તરીકે ગણાતા જાડા ધાન્ય (મિલેટ્સ)ને વડાપ્રધાનએ પ્રાધાન્ય આપી હાલમાં સમગ્ર દેશ મિલેટ્સ યર ઉજવી રહ્યો છે.






હવે એક કદમ આગળ ચાલી જમીનની ફળદ્રુપતા અને તંદુરસ્તી માટે વિશાળ ફલક પર પ્રાકૃતિક ખેતીની પહેલ કરવામાં આવી છે. જે માટે બજેટમાં પણ જોગવાઈ કરાઈ છે. ગુજરાતમાં રાજ્યપાલ આર્ચાય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીનો નવો આયામ શરૂ કર્યો છે. પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વાત કરતા મંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવા અને કલાઈમેન્ટ ચેન્જ સામે લડવુ હોય તો પ્રાકૃતિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિ બોર્ડ માટે સરકારે રૂ.૧૦૦ કરોડ પણ ફાળવ્યા છે. પ્રાકૃતિક ખેતી સસ્તી અને સારી ખેતી છે. જે સાથે આવક અને તંદુરસ્તી પણ આપે છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના તમામ મંત્રીશ્રીઓ અને ધારાસભ્યોને પણ ૨ થી ૩ કલાકની પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે.






મે પોતે પણ તાલીમ લીધી હોવાથી એવુ ચોક્કસ કહી શકુ છુ કે, આ સાત દિવસની તાલીમ તાલીમાર્થીઓને પોતાની ખેતીમાં તો મદદરૂપ બનશે જ સાથે હજારો ખેડૂતોને પણ નવી દિશા આપશે. આગામી સમયમાં પ્રાકૃતિક ખેતીની પેદાશો લોકો સુધી પહોંચી શકે તે માટે બજાર પણ ઉભુ કરવામાં આવનાર છે. ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી, હાલોલ (હાલ કેમ્પસ આણંદ)ના વાઈસ ચાન્સેલર ડો.સી.કે.ટીમ્બડીયાએ જણાવ્યું કે, આપણા વડાપ્રધાનશ્રીએ વિષ મુક્ત ખેતીનું સ્વપ્ન જોયુ છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. જેમાં નેચરલ ફાર્મિંગના પાઠ ભણાવાવમાં આવશે. નવી શિક્ષણ નીતિ મુજબ એનસીઈઆરટી દ્વારા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ મળે ત્યારથી જ હવે ગાય, ગામડુ અને લીમડાના પાઠ થકી પ્રાકૃતિક ખેતીનું શિક્ષણ છેક કોલેજ સુધી આપવામાં આવશે.






સ્કૂલ છોડી જતા વિદ્યાર્થીઓ માટે પણ પ્રાકૃતિક ખેતી સફળતાના નવા દ્વાર ખોલશે. દેશ અને દુનિયામાં એક માત્ર પ્રાકૃતિક કૃષિ યુનિ. આપણી પાસે હોવાનું આપણને ગર્વ છે. આ સાત દિવસીય તાલીમનો પ્રારંભ અત્રેથી થયા બાદ સમગ્ર રાજ્યમાં યુવાઓને તાલીમ આપી પ્રાકૃતિક ખેતીની આહલેક જગાવાશે. આ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક ખેતીની કૃષિ પ્રચારક સમિતિના મુખ્ય સંયોજક અને વર્ષ ૨૦૨૨માં ગુજરાત સરકારના ગરિમા એવોર્ડથી સન્માનિત પ્રફૂલભાઈ સંજેલીયાએ જણાવ્યું કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિ. દ્વારા ૧૫ દિવસીય સર્ટિફીકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેના થકી પ્રાકૃતિક કૃષિના નિષ્ણાંતો તૈયાર થશે. પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ ઘનજીવામૃત, જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને મિશ્ર પાકનો પૂર્ણ પણે અમલીકરણ કરવામાં આવે તો જમીનમાં સેન્દ્રિય કાર્બન વધે છે. જે ખેતી માટે ફળદાયી બની રહે છે.






પ્રાકૃતિક ખેતી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી ઉત્પાદનમાં વધારો કરે છે અને ગુણવત્તા પણ સારી આપે છે. પોતાના ઘરે દેશી ગાય હોય તો ખેડૂતે બહારથી કોઈ વસ્તુ જેવી કે, રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. આ ખેતી થકી જળ, જમીન અને પર્યાવરણની પણ જાળવણી થાય છે. ઉપરાંત પાકને રોગ પ્રતિકારક શક્તિ મળે છે. રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની આગેવાની હેઠળ ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં ખૂબ આગળ વધી રહ્યું છે. ત્યારે ટૂંકગાળાના આવા તાલીમ વર્ગમાં યુવાનો અને યુવતીઓને સર્ટિફીકેટ આપવામાં આવશે જે રોજગારી માટે ઉપયોગી સાબિત થશે. ૭ દિવસ તાલીમ દરમિયાન ૩૫ યુવક-યુવતીઓ પ્રાકૃતિક ખેતીના પાઠ શીખશે. શાળાના કારોબારી સભ્ય અને ગામના અગ્રણી ખેડૂત ભરતભાઈ દેસાઈનું મંત્રીના હસ્તે પ્રમાણપત્ર વડે સન્માન પણ કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application