પાકિસ્તાનની સાન ઠેકાણે આવી ગઇ છે અને હવે તે ભારતથી ખાંડ અને કપાસની આયાત કરશે. પાકિસ્તાનના નવનિયુક્ત નાણા પ્રધાન હમ્મદ અઝહરે બુધવારે ભારતથી ખાંડ અને કોટનની આયાત સામે લાદેલો પ્રતિબંધ પાછો ખેંચી જાહેરત કરી હતી. નાપાક પાડોશી દેશે આ પ્રતિબંધ ૨૦૧૯માં કાશમીરની તંગદિલીના સમયે લાદ્યો હતો.
પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની અધ્યક્ષતામાં કાપડ મંત્રાલયે દેશના ટેક્સટાઈલ માર્કેટમાં પડી રહેલી કપાસની ખોટને પૂરવા માટે હવે ભારતમાંથી કપાસની આયાત પર મુકેલા પ્રતિબંધને હટાવવા માટે ભલામણ કરી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કાપડ મંત્રાલયે ભારતમાંથી શુગર, કપાસની અને સૂતરના દોરા સહિત ૨૧ આઇટમની આયાત ફરીથી શરૂ કરવા માટે કેબિનેટની ઈકોનોમિક કમિટિની મંજૂરી માગી હતી. એક અધિકારીએ કહ્યું હતું કે, પ્રતિબંધ હટાવવા માટે એક સપ્તાહ પહેલા કમિટિને અનુરોધ કર્યો છે. એ પછી તેને મંત્રી મંડળની મંજૂરી માટે મુકવામાં આવશે. ભારત સામે પાકિસ્તાનને ઝૂકવું પડ્યું છે, કારણ કે પાકિસ્તાનમાં કપાસનું ઉત્પાદન ઓછું થયું છે. પાકિસ્તાનમાં ઉદ્યોગોને અમેરિકા, બ્રાઝિલ અને ઉઝબેકિસ્તાન જેવા દેશોથી કપાસ આયાત કરવાની ફરજ પડી રહી છે. પાકિસ્તાનને આ વર્ષે ૧૨ મિલિયન કપાસની ગાંસડીઓની જરૂર છે, પણ ઘરઆંગણાના ઉત્પાદનથી તેની માત્ર ૭.૭ મિલિયન ગાંસડીઓની જરૂરિયાત પૂરી થઈ શકે તેમ છે.
બીજી તરફ ભારતથી જો કપાસની આયાત કરવામાં આવે તો તે સસ્તું પડે તેમ છે. ત્રણથી ચાર દિવસમાં કપાસનો જથ્થો પાકિસ્તાન પણ પહોંચી શકે છે. જ્યારે બાકીના દેશોમાંથી કપાસની આયાત મોંઘી પડી રહી છે અને કપાસ પહોંચવામાં વધારે સમય પણ લાગી રહ્યો છે. પાકિસ્તાનની નિકાસમાં ૬૦ ટકા ફાળો ટેક્સટાઈલ માર્કેટનો છે. જો કપાસ ઓછો પડે તો નિકાસને પણ ફટકો પડે તેમ છે. ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી તેના વિરોધમાં પાકિસ્તાને ભારત સાથેના વેપારને બંધ કરી દીધો હતો, પણ હવે પાકિસ્તાનની સાન ઠેકાણે આવી રહી છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500