વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ૧૬મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર ૨૨-૨૩ ઓક્ટોબરે રશિયાના પ્રવાસે જશે. આ સમિટમાં ચીનના પ્રમુખ જિનપિંગ પણ ભાગ લેવાના હોવાથી મોદી અને જિનપિંગ એકબીજાની સામે આવશે. આ બ્રિક્સ સમિટ રશિયાના કઝાન શહેરમાં યોજાઇ રહી છે. બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે, જિનપિંગ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓગસ્ટમાં જોહનિસ્બર્ગમાં યોજાયેલા બ્રિક્સ સમિટ પછી જિનપિંગ અને મોદીએ ટૂંકી બિન ઔપચારિક વાત કરી હતી. બ્રિક્સ સમિટમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. રશિયામાં યોજાનાર સમિટમાં પણ મોદી અને જિનપિંગ ટૂંકી બિન ઔપચારિક વાત કરે તેવી શક્યતા છે. જોકે આ અંગે ભારત કે ચીન દ્વારા કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. છેલ્લા ચાર વર્ષોથી પૂર્વ લદ્દાખમાં લાઇન ઓફ એક્યુચલ કન્ટ્રોલ (એલએસી) પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. વડાપ્રધાનશ્રી મોદી પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે અને આ મંત્રણામાં યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500