બંગાળ અને આસામ ઉપરાંત તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે અને તમામ પ્રમુખ રાજકીય દળો પ્રચારમાં લાગેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી પ્રચાર કરશે. આ માટે વડાપ્રધાન મોદી ગુરૂવારે સાંજે જ તમિલનાડુ પહોંચી ગયા હતા.
વડાપ્રધાન મોદીએ ગુરૂવારે બંગાળ અને આસામમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને શુક્રવારે તેઓ 4 ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. તમિલનાડુ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ મદુરાઈના પ્રસિદ્ધ મીનાક્ષી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મીનાક્ષી સુંદરેશ્વર મંદિર પહોંચ્યા હતા અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન શુક્રવારે મદુરાઈમાં એક ચૂંટણીલક્ષી જનસભા સંબોધિત કરશે જેમાં તમિલનાડુના મુખ્યમંત્રી ઈકે પલાનીસ્વામી સહિત અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. મદુરાઈથી વડાપ્રધાન કેરળ જશે અને ત્યાં પથાનામથિટ્ટા ખાતે જનસભા કરશે. ત્યાર બાદ 4:15 કલાકે વડાપ્રધાન કન્યાકુમારી ખાતે જનસભાને સંબોધિત કરશે.
કન્યાકુમારીમાં જનસભા બાદ વડાપ્રધાન ફરી કેરળ જશે અને 6:15 કલાકે તિરૂવનંતપુરમ ખાતે જનસભાને સંબોધિત કરશે. તમિલનાડુ અને કેરળ પ્રવાસ પહેલા વડાપ્રધાને અભિનેતા રજનીકાંતની પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી થઈ તેની શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરી હતી અને સુપરસ્ટાર સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500