Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાલાસોપારામાં ડ્રગ ફેક્ટરી પર દરોડા : 700 કિલોથી વધુ મેફેડ્રોન જપ્ત

  • August 05, 2022 

મુંબઇ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ શહેરમાં નશીલા પદાર્થનું વેચાણ કરનારા સામે સતત કાર્યવાહી કરી રહી છે. પોલીસે નાલાસોપારામાં ડ્રગ ફેક્ટરી પર દરોડા પાડી 700 કિલોથી વધુ મેફેડ્રોન જપ્ત કરતા ચકચાર જાગી છે. આ મેફેડ્રોનના જથ્થાની કિંમત આશરે 1400 કરોડ રૂપિયા છે. નાલાસોપારાથી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ આરોપીને પકડવામાં આવ્યો છે. તે મેફેડ્રોન બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી ડ્રગ પેડલરને વેચતો હતો આ ડ્રગ રેકેટમાં મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.




તાજેતરમાં મુંબઇ પોલીસે જપ્ત કરેલો આ સૌથી મોટો નશીલા પદાર્થનો જથ્થો છે મેફેડ્રોનને એમડી ડ્રગ અને મ્યાંઉ મ્યાઉ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ એન્ટી નાર્કોટિક્સ સેલની વરલી યુનિટે આ કાર્યવાહી કરી હતી. ગોવંડીમાં શિવાજીનગર ખાતે 29 માર્ચ, 2022નાં પોલીસે માહિતીનાં આધારે એક ડ્રગ પેડલરને પકડીને 250 ગ્રામ મેફેડ્રોન કબજે કર્યું હતું એની કિંમત અંદાજે 37 લાખ 50 હજાર રૂપિયા હતી.




ત્યારબાદ તેને મેફેડ્રોન આપનારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસે 2 કિલો 760 ગ્રામ મેફેડ્રોન મળ્યું હતું. આરોપી પાસેથી 4 કરોડ 14 લાખ રૂપિયાનો નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ કરતી પોલીસે ગત 27 જુલાઇનાં ફરાર મહિલા આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં તેની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે ગત મંગળવારે ચોથા આરોપીને પકડવામાં આવ્યો હતો. પોલીસને તેણે જણાવ્યું હતું કે, નાલાસોપારાના મુખ્ય આરોપી પાસેથી મેફેડ્રોન ખરીદીને તે અગાઉ પકડાયેલા આરોપીને વેચતો હતો.




જોકે નાલાસોપારા (પશ્ચિમ)માં હનુમાન રોડ, ચક્રધર નગર સ્થિત એક હાઉસિંગ સોસાયટીમાં આવેલા ગાળામાં પોલીસે ગઇકાલે છાપો માર્યો હતો આ ડ્રગ ફેક્ટરીમાંથી 701 કિલો 740 ગ્રામ એમ.ડી. (મફેડ્રોન) મળી આવ્યું હતું. એની કિંમત 1403 કરોડ 48 લાખ રૂપિયા છે. આ મુખ્ય આરોપી રસાયણ શાસ્ત્રમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે.




તેણે નશીલોપદાર્થ બનાવવાનું જ્ઞાન મેળવ્યું હતું. તે જુદા જુદા કેમિકલને ભેળવીને મેફેડ્રોન બનાવતો હતો. તે ઝડપથી પૈસા કમાવવા ડ્રગ પેડલરને મેફેડ્રોન વેચતો હતો. આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા એમ.ડી. ડ્રગ વેચતો હતો. મોટા પ્રમાણમાં ડ્રગ વેચનારા તેનો સંપર્ક કરતા હતા.




તે 25 કિલોથી ઓછી માત્રામાં મેફેડ્રોન વેચતો નહોતો. અગાઉ આરોપીએ મુંબઇ અને ઉપનગરમાં ચારથી પાંચ વખત મોટા પ્રમાણમાં મેફડ્રોનનો જથ્થો વેચ્યો હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે એન.ડી.પી.એસ. કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application