Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 55 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો, આજે પણ ભારે વરસાદની આગાહી

  • May 29, 2023 

ગુજરાતમાં ગઈકાલે અચાનક આવેલા વાતાવરણના પલટા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 55 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો  છે. જેમાં સૌથી વધુ બેચરાજીમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો હજી પણ ગુજરાતના માથે વરસાદની ઘાટ ટળી નથી.આજે અને આવતી કાલે ગુજરાતમાં સૂસવાટાભેર પવન અને ગાજવીજ સાથે માવઠું થવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.

 



ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમથી ગઈ કાલે બપોર બાદ અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદના છાંટા પડવાના શરૂ થયા. તેના બાદ અમદાવાદ અને ભાવનગરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વધુમાં આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતાં 30 મે પછી વાતાવરણ નોર્મલ થશે.


સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદ અને પવનના કારણે તબાહી મચી હતી. હિંમતનગરના પાંચ બત્તી વિસ્તારમાં પતરા ઉડ્યા હતી. વાવાઝોડું ફુંકાતા પતરા ઉડ્યા અને એક તરફનો માર્ગ બંધ થયો હતો. ટાવર પાસેના રેલવે ઓવરબ્રિજ પર વીજ થાંભલો નમી ગયો હતો. તો વાવાઝોડાના કારણે ઠેર ઠેર બેરિકેડ્સ આડા પડી ગયા હતા. હિંમતનગર શહેરમાં અનેક જગ્યાએ લાગેલા હોર્ડિંગ્સ ભારે પવનમાં જોખમી સાબિત થઈ શકે છે. તો અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાથી ભારે નુકસાની થઈ છે. ગાજવીજ અને પવન સાથે વરસાદથી અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા.



ભિલોડાના લારી ગલ્લાવાળાઓને મોટું નુકસાન થયુ છે. વાવાઝોડામાં કાચા ગલ્લાઓ ફંગોળાતા નાના વેપારીઓના માથે આભ ફાટવા જેવી સ્થિતિ બની હતી. તો અનેક જગ્યાએ વીજપોલ તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. ભિલોડા બસ સ્ટેન્ડ વિસ્તાર,પોલીસ સ્ટેશન વિસ્તાર, કોટેજ હોસ્પિટલ વિસ્તારમાં ભારે નુકસાની જોવા મળી હતી. આ બાજુ, બનાસકાંઠાના પાલનપુરમાં મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. લક્ષ્મીપુરા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થતા એક યુવક કાટમાળ નીચે દટાયો હતો. આ કારણે યોગેશભાઈ કરશનભાઈ પટેલ નામના યુવાને જીવ ગુમાવ્યો હતો. ભારે વરસાદ અને પવનના કારણે દીવાલ ધરાશાયી થઈ હતી.


અચાનક સર્જાયેલી કુદરતી આફતમાં યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકમાં ગરકાવ થયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો પોરબંદર, પાટણ, મહેસાણાની સાથોસાથ બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application