ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આજથી અયોધ્યામાં ત્રણ દિવસ સુધી બહારના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે. અયોધ્યામાં શુક્રવાર મધરાતથી અયોધ્યામાં ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવી ગયો છે જેના કારણે લખનઉ, ગોંડા, બસ્તી, આંબેડકરનગર, સુલતાનપુર, અમેઠીથી અયોધ્યા તરફ આવતા વાહનો અલગ-અલગ માર્ગો દ્વારા પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શક્શે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થવાની સંભવાનાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન આસ્થા ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે જે ગોમતીનગર અને ચારબાગથી અયોધ્યા સુધી ચલાવવામાં આવશે. એવી અપેક્ષા છે કે, આ ટ્રેનો 25મીથી શરૂ થઈ શકે છે. જો કે, અધિકારીઓ ટ્રેનની સૂચના જારી થવાની રાહ જોઈ રહ્યા છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ બાદ લખનઉ અને અયોધ્યા વચ્ચે રોજની 80 બસો ચલાવવામાં આવશે. તેનાથી અંદાજે 40 હજાર શ્રદ્ધાળુઓને રાહત મળશે. બસ સ્ટેન્ડ પરથી દર 20 મિનિટના અંતરે મુસાફરો માટે બસો ઉપલબ્ધ રહેશે. થોડા દિવસો પહેલા જ રોડવેઝ એડમિનિસ્ટ્રેશને કૈસરબાગ અને અયોધ્યા વચ્ચે એસી જનરથ બસો ચલાવવાની શરૂઆત કરી છે. તારીખ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ રોડવેઝ ભક્તો માટે લખનઉ અને અયોધ્યા વચ્ચે 80 બસો ચલાવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500