રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં વસતા આદિજાતિના ગરીબ બાળકોને પણ શહેરો જેવી સુવિધાવાળું શિક્ષણ મળી રહે, અને તેઓ ઉચ્ય કારકિર્દી હાંસલ કરી શકે તે માટે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત 'ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી' દ્વારા, રાજ્યભરમાં ૧૦૧ જેટલી શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે. તે પૈકી ડાંગ જિલ્લાને પણ આઠ (૮) જેટલી સુવિધાપાત્ર શાળાઓનો લાભ મળવા પામ્યો છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત ગિરિમથક સાપુતારા, માલેગામ, બારીપાડા, ચિંચલી, મહાલ, અને ગારખડી જેવા પુર્વિપટ્ટીના સરહદી ગામો સહિત સાપુતારા ખાતે ખાસ કન્યાઓ માટેની શાળા મળી જિલ્લામાં આઠ જેટલી 'એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલ' ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા ચલાવવામાં આવી રહી છે.
જેમાં ૧૧૧૮ કુમાર અને ૧૫૨૦ કન્યા મળી કુલ-૨૬૩૮ આદિજાતિ પરિવારના બાળકો શ્રેષ્ઠ સાધન સુવિધા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. આ શાળાઓમાં ૮ આચાર્યો સહિત ૧૦૯ જેટલા ગુરૂજનો અને ૧૩૮ જેટલા શૈક્ષણિક કર્મચારીઓ, આ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે તેમના સર્વાંગિણ વિકાસ માટેની તનતોડ મહેનત કરી રહ્યા છે. આ શાળાઓની વિશેષતા એ છે કે અંહી પૂરતા શિક્ષકો અને અન્ય શૈક્ષણિક સ્ટાફ હોવાથી તેઓ પ્રત્યેક વિદ્યાર્થીઓ ઉપર વ્યક્તિગત ધ્યાન આપી શકે છે. જેના પરિણામે આ શાળાનું ધો-૧૦ અને ધો-૧૨નું પરિણામ પણ ઉત્તરોત્તર સુધરતું રહે છે. સને ૨૦૧૮/૧૯ થી ડાંગમાં શરૂ થયેલી 'એકલવ્ય' શાળાઓ પૈકી સને ૨૦૨૨/૨૩ ના વર્ષમાં આહવા, માલેગામ, બારીપાડા, અને ગારખડી શાળાનું ધો-૧૦નું પરિણામ સો ટકા રહેવા પામ્યું છે. તો ધો-૧૨ (સાયન્સ)માં પણ આહવા શાળા સહિત સાપુતારા કન્યા વિધ્યાલયે પણ સતત ત્રીજા વર્ષે સો ટકા પરિણામ મેળવ્યું હતું.
આ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સરકારે સ્માર્ટ ક્લાસ રૂમ, ઉત્તમ સાયન્સ અને કોમ્પુટર લેબ, રમત ગમતના સાધનો અને મેદાન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, પૂરતા ટોઇલેટ બાથરૂમની સુવિધા પૂરી પાડવા સાથે, દરેક વિદ્યાર્થીઓને બે ટાઈમ પૌસ્ટિક ભોજન, અને બે ટાઈમ ભરપેટ નાસ્તો પણ આપવાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. અંહીના વિધ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં વિદ્યાર્થી દીઠ બંક બેડ, ગાદલાં, ઓશિકા, બ્લેન્કેટ, ટુવાલ તથા પૂરતા પ્રમાણમાં ટોઇલેટરીઝ પણ વિના મૂલ્યે આપવામાં આવે છે. પ્રત્યેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ યુનિફોર્મ, અને પૂરતા પ્રમાણમાં સ્ટેશનરી તથા પુસ્તકો પણ વિના મૂલ્યે પૂરા પાડીને ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવું સમગ્રતયા વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આમ, વનબંધુઓના સર્વ સમાવેશક વિકાસની નેમ સાથે ડબલ એન્જિન સરકાર, આદિજાતિ પરિવારોમા શિક્ષણનો ઉજાશ ફેલાવી વનબંધુઓનો સર્વાંગી વિકાસ કરવા માટેનો ભાવિ રોડમેપ તૈયાર કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500