ગુજરાતમાં કેમિકલ અને ઊર્જા વિભાગના કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા તથા સાયકલિંગ મેયર ભૈરવી જોષીના અધ્યક્ષસ્થાને હાલમાં ‘ઇન્ડિયન પેડલિંગ લીગ-૨૦૨૦' ચાલુ છે. જેમાં સમગ્ર ગુજરાતની ૨૧ ટીમો પૈકી વલસાડની ચાર ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી વલસાડની ડૉ.સુધીરભાઇ જોષીની ટીમ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. આ ટીમમાં વલસાડના ડૉ. કલ્પેશ જોષી તેમજ ટીમના ઓનર કેયુરભાઇ શાહ ભાગ લઇ રહ્યા છે.
આ ટીમ દ્વારા વિવિધ ટાસ્ક હાથ ધરાયા હતા. જેમાં ઓઝોન સેવિયર્સ દ્વારા ‘રંગીલા સાયકલ મેલા' ચિત્રકલા હરિફાઇનું આયોજન કરાયું છે. જેમાં બાળકોથી લઇ વૃદ્ધો ભાગ લઇ શકશે. તા.૨જી ઓક્ટોબરથી આ ટીમ વિવિધ પ્રકારના આયોજનો હાથ ધરશે.
ઓઝોન સેવિયર ટીમના કેપ્ટન ડૉ.સુધીરભાઇ જોશીએ જણાવ્યું કે, આવનાર દિવસોમાં ટીમ વિવિધ પ્રેરણાત્મક, કલાત્મક અને આરોગ્યલક્ષી અને વ્યક્તિગત વિકાસમંત્ર કામોથી અનેક લોકોને જોડશે અને સાયકલ ચલાવવાની પ્રેરણા પૂરી પાડી વલસાડમાં ભવ્ય સાયકલ યુગનું નિર્માણ થશે, તથા વલસાડ ઓઝોન સેવિયર ટીમ ફાઇનલ જીતશે એવી આશા વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500