વીમાદારની આંખની સર્જરીના કુલ ક્લેઈમની રકમમાંથી ખોટા કારણોસર 1.08 લાખ કાપી લેનાર વીમા કંપનીની ગ્રાહક સેવામાં ક્ષતિ બદલ વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કપાત રકમ તથા અરજી ખર્ચ હાલાકી બદલ રૂ.5 હજાર ચુકવવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતાએ વીમા કંપનીને હુકમ કર્યો હતો.
સુમુલ ડેરી રોડ સ્થિત નિલકંઠ સોસાયટીમાં રહેતા ફરિયાદી મયુરકુમાર બી.જોશીએ નેશનલ ઈન્સ્યુરન્સ કંપનીની રૃ.3 લાખના સમએસ્યોર્ડની મેડી ક્લેઈમ પોલીસી ધરાવતા હતા.જે પોલીસી અમલમાં હોવા દરમિયાન ફરિયાદીની આંખમાં ઓછું દેખાવા લાગતાં ખાનગી હોસ્પિટલમાં નિદાન સારવાર માટે દાખલ થયા હતા.જેથી ફરિયાદીની આંખમાં સર્જરી કરવામાં આવતાં કુલ 2.30 લાખનો ખર્ચ થયો હતો.જે અંગે ફરિયાદીએ ક્લેઈમ કરતાં વીમા કંપનીએ ફરિયાદીના કુલ ક્લેઈમની રકમને બદલે રૃ.1.08 લાખ પોલીસી શરતના ભંગ બદલ કાપી લીધા હતા.
જેથી વીમા કંપનીએ ખોટી રીતે કાપી લીધેલી રકમ વ્યાજ સહિત વસુલ અપાવવા ફરિયાદી મયુરકુમાર જોશીએ કમલનયન અસારાવાલા મારફતે ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી.જેની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે વીમાદાર કુલ ક્લેઈમની રકમ મેળવવા હક્કદાર હોવા છતાં વીમા કંપનીએ ચોક્કસ કઈ પોલીસી શરતનો ભંગ થયો છે તેની સ્પષ્ટતા કરી નથી.જેને ગ્રાહક કોર્ટે માન્ય રાખી વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત વીમા કંપનીએ ખોટી રીતે કાપેલા ક્લેઈમની રકમ 1.08 લાખ તથા અરજીખર્ચ-હાલાકી બદલ 5 હજાર ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500