સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોના સન્માન સમારંભમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ હોબાળો મચાવ્યો હતો. મેયરના ઉદ્બોધન પહેલા સમિતિના સભ્ય અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિક્ષેપ પાડ્યો હતો. આ મુદ્દે વિપક્ષના સભ્ય અને ડેપ્યુટી મેયર વચ્ચે તું તું મેં મે થઈ ગઈ હતી.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકોને સન્માનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સન્માન સમારંભ સાથે મેયર હેમાલી બોઘવાલા શિક્ષકોના સન્માન માટે ઉદબોધન કરે તે પહેલા જ સ્ટેજ પરથી વિપક્ષના ચૂંટાયેલા સભ્યએ હોબાળો મચાવ્યો હતો. તેની સાથે સ્ટેજ નીચેના કેટલાક કાર્યકરોએ પણ શિક્ષકોની ભરતી કરો એવો સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.
વિપક્ષના આવા હોબાળાના કારણે મેયરનું ઉદબોધન થઇ શકયું ન હતું. આ અંગે કાર્યક્રમમાં હાજર ડેપ્યુટી મેયર દિનેશ જોધાનીએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિપક્ષના સભ્યોએ તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે તું તું મે મે થઈ ગઈ હતી. શિક્ષકોના સન્માનના કાર્યક્રમમાં વિપક્ષે વિરોધ કરતા સન્માન કાર્યક્રમમાં વિક્ષેપ પડયો હતો. આવા કાર્યક્રમમાં વિરોધ કરવાના મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500