કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદની સુરક્ષામાં ચૂકના મામલાને ભાજપ સાથે જોડી દીધો હતો. તેમણે કહ્યું હતું કે સંસદમાં બે લોકો ઘૂસી આવ્યા તો ભાજપના સાંસદોની હવા નિકળી ગઇ હતી અને સંસદમાંથી ભાગી ગયા હતા. ખુદને રાષ્ટ્રવાદી કહેનારા ભાજપના આ સાંસદો બે યુવકોની જોઇને ભાગી ગયા. દરમિયાન સંસદમાંથી વિપક્ષના ૧૪૧થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેના વિરોધમાં વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન દ્વારા દિલ્હીના જંતર મંતર પર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
દિલ્હીના જંતર મંતર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, ડાબેરીઓ, ડીએમકે, એનસીપી, સપા, એનસી, ટીએમસી, જેએમએમ, આરજેડી તેમજ અન્ય ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
ધરણા કરી રહેલાઓને સંબોધતા ખડગેએ કહ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં લોકશાહી ખતરામાં છે અને તેથી લોકશાહીને બચાવવા વિપક્ષે એકતા દેખાડી છે. જ્યારે દરેક લોકો એક થઇ જશે ત્યારે નરેન્દ્ર મોદી કઇ જ નહીં કરી શકે. જેટલા અમને દબાવવામાં આવશે એટલા અમે વધુ મજબુત બનીશું. મોદીજી અને અમિત શાહે લોકશાહી અને બંધારણનો નાશ કરવાની જવાબદારી લીધી છે. આ લોકો દલિતો, આદિવાસીઓ, મજૂરો, મહિલાઓ અને ખેડૂતોને કચડી નાખવાનું કામ કરી રહ્યા છે. અને તેથી જ દેશને બચાવવા માટે વિપક્ષે ઇન્ડિયા ગઠબંધન કર્યું છે.
જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ૧૫૦ સાંસદોને સસ્પેન્ડ કરીને મોદી સરકારે દેશની ૬૦ ટકા જનતાનો અવાજ દબાવ્યો છે. કેમ કે સાંસદો જનતાના પ્રતિનિધિ છે. સંસદની સુરક્ષાનો મામલો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે બે લોકો સંસદમાં ઘૂસ્યા ત્યારે તેમને જોઇને ભાજપના સાંસદ સંસદની બહાર ભાગી ગયા, સંસદમાં જ્યારે યુવકો ઘૂસ્યા તો ભાજપના સાંસદોની હવા નિકળી ગઇ હતી. જે લોકો સંસદમાં ઘૂસ્યા તેમનો ઇરાદો શું હતો? તેઓ કેમ સંસદમાં ઘૂસ્યા તે અંગે પણ વિચારવું જોઇએ. મે એક સરવે કરાવ્યો છે, જેમાં દેશના યુવાઓ દિવસમાં કેટલો સમય ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર વગેરે પર પસાર કરે છે. સરવે પરથી જાણવા મળ્યું કે દેશની યુવા પેઢી બેરોજગાર હોવાને કારણે દિવસમાં સાત કલાક સોશિયલ મીડિયા પર વિતાવે છે. મોદી સરકારમાં દેશનુ યુવાધન રોજ સાત કલાક ફોન પર વિતાવે છે કેમ કે સરકારે તેમને રોજગાર નથી આપ્યો. જંતર મંતર પર ખડગે, રાહુલ ઉપરાંત શરદ પવાર, સીતારામ યેચુરી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500