Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Operation Ajay : ઇઝરાયલથી વધુ 197 ભારતીય નાગરિકો ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચ્યા

  • October 15, 2023 

ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે ઇઝરાયલથી 197 ભારતીય નાગરિકોની ત્રીજી બેચ શનિવારે મોડી રાત્રે એક વિશેષ ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચી હતી. કેન્દ્રીય પ્રધાન કૌશલ કિશોરે દિલ્હીના એરપોર્ટ પર ઈઝરાયલથી વતન પરત ફરેલા ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. ભારતીય નાગરિકો સાથેની આ ફ્લાઈટ ભારતીય સમય અનુસાર રાત્રે 8.10 વાગ્યે ઇઝરાયલથી રવાના થઇ હતી, જે રાત્રે લગભગ 2 વાગે દિલ્હી પહોંચી હતી.



અગાઉ, વિદેશ પ્રધાન એસ જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી હતી કે, ઓપરેશન અજય આગળ વધી રહ્યું છે. વધુ 197 મુસાફરો ભારત પરત ફરી રહ્યા છે. દરમિયાન, ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે એક્સ પર લખ્યું કે,જે ભારતીય નાગરિકો હજુ પણ ઇઝરાયલમાં છે અને ‘ઓપરેશન અજય’ના ભાગરૂપે ભારત જવા ઇચ્છે છે તેઓએ તુરંત ફોર્મ ભરવું જોઇએ.ઓપરેશન અજય અંતર્ગત ઇઝરાયલથી પ્રથમ વિશેષ ફ્લાઇટ ગુરુવારે 212 લોકોને લઇને રવાના થઇ હતી. 235 ભારતીય નાગરિકોની બીજી બેચ શુક્રવારે મોડી રાત્રે ઉપડી હતી. આમ અત્યાર સુધીમાં કુલ 644 ભારતીય નાગરિકોને ઈઝરાયલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.


એક અહેવાલ મુજબ, ઇઝરાયલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો છે, જેમાં નર્સો, વિદ્યાર્થીઓ, ઘણા આઇટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે. ગત 7 ઓક્ટોબરના રોજ ગાઝા પટ્ટીમાંથી હમાસ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયલ પર હુમલા બાદ ભારતીય નાગરિકોનું સ્થળાંતર શરૂ થયું હતું.હમાસના હુમલામાં ઇઝરાયલના 1,300 થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે ઇઝરાયલની વળતી કાર્યવાહીમાં ગાઝામાં 1,900થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલની સેનાએ શનિવારે કહ્યું હતું કે ગાઝા પટ્ટીમાં વાયુસેના, સેના અને નૌકાદળ સાથે સંકલિત હુમલાની તૈયારી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application