Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં વીરપુર ગામે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં એકનું ઘટના સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત, એક ઈજાગ્રસ્ત

  • September 16, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં વીરપુર ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર અજાણ્યા ટ્રક ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી યુવકનાં માથાનાં ભાગ ઉપરથી પોતાનુ વાહન ચઢાવી દેતાં યુવકનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં અલથાણનાં ભટાર વિસ્તારનાં બી.કે.પાર્ક સોસાયટીની સામે જલારામ બંગ્લોઝ રહેતા આકાશભાઈ સંજયભાઈ ગામીત તેનો મિત્ર વિપુલભાઇ દિનેશભાઈ જૈન (રહે.અલથાણ, ભટાર, સાંઈ કૃપા એપાર્મેન્ટ, સુરત) સાથે વ્યારા-સોનગઢ બાજુ ફરવા માટે તારીખ ૧૪/૦૯/૨૦૨૪નાં રોજ આશરે સવારે સાડા અગ્યારેક વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. તે સમયે એકટીવા મોપેડ બાઈક નંબર GJ/19/BK/5452 પર ત્રિકેશભાઈ રજનીકાંતભાઈ કહાર (રહે.અંબાનગર, જૂની સ્કુલવાળી શેરી, મજુરા, સુરત) અને વિપુલભાઈ દિનેશભાઈ જૈન તેમજ તેમના બીજા મિત્રો જયુપીટર મોપેડ બાઈક નંબર GJ/19/BK/3832 પર આકાશભાઈ અને ત્રિકેશભાઈનો બહે વંશ સાથે હતા.


આમ બધા વ્યારા તરફ જવા માટે નિકળેલા અને આશરે બપોરનાં દોઢ એક વાગ્યાના અરસામાં તેમના મિત્ર આકાશનાં ગામ રામકુવા ખાતે તેના ઘરે પહોંચેલા હતા. ત્યારબાદ આશરે સાડા ચારેક વાગ્યાનાં આકાશભાઈનાં ઘરેથી ચારેય મિત્રો સોનગઢ ખાતે આવેલ ધાર્મિક સ્થળ ગૌમુખ ખાતે જવા માટે નિકળેલા હતા. ત્યારબાદ ગૌમુખથી પરત વ્યારા આવા માટે આશરે સાંજનાં સાડા છ વાગ્યાનાં અરસામાં નીકળ્યા હતા. તે સમયે ત્રિકેશભાઈ એકટીવા મોપેડ ચલાવતા હતો અને પાછળ આ વિપુલભાઇ જૈન બેસેલ હતા અને આકાશની જ્યુપીટર મોપેડ પર આકાશભાઇ અને વંશ હતા.


ત્યારબાદ માંડળ ટોલ નાકુ પસાર કરી આકાશભાઈ પોતાની બાઈક લઈ અમારી આગળ જતા હતા અને અમે તેમની પાછળ આવતા હતા. તે દરમિયાન વ્યારા તરફ નેશનલ હાઈવે નંબર-૫૩ વ્યારા તરફ આવતા હતા અને નેશનલ હાઇવે ઉપર રોડમાં ખાડા પડેલ હોવાથી અમે ઘણા નાના મોટા વાહનોની ઓવર ટેક કરીને આગળ નિકળેલ હતા. ત્યારે આશરે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં વીરપુર ગામની સીમામાં નદીનો પુલ પાસ કર્યા બાદ થોડેક આગળ પહોંચતા રોડ ઉપર ખાડા આવતા મોપેડ બાઈક જેના પર ત્રિકેશભાઈ અને વિપુલભાઈ સવાર હતા તે અચાનક રોડ ઉપર પડી ગયેલ ખાડામાં પડી જતા બંને જણા રોડ ઉપર પડી ગયા હતા.


તેમજ આ અકસ્માતમાં ત્રિકેશભાઈને કપાળનાં ભાગે તથા ડાબા હાથની કોણી ઉપર તેમજ ડાબા પગે ઘુટણ ઉપર તથા જમણા પગે ઈજા પહોંચી હતી અને પાછળથી આવતા કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વિપુલભાઈના માથાના ભાગ ઉપરથી પોતાનુ વાહન ચઢાવી દઇ નાશી ભાગી છૂટ્યો હતો જેથી વિપુલભાઇનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ત્રિકેશભાઈ કહારએ તારીખ ૧૫/૦૯/૨૦૨૪નાં રોજ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application