Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉદયપુર ખાતેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવી સુરતમાં સપ્લાય કરે તે પહેલા એકને સુરત SOG પોલીસે પકડી પાડ્યો

  • July 23, 2024 

રાજસ્થાનનાં ઉદયપુર ખાતેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવી સુરત શહેરમાં સપ્લાય કરે તે પહેલા એક ઈસમને સુરત એસ.ઓ.જી. પોલીસે પકડી પાડ્યો હતો. આ ઈસમ પાસેથી પોલીસે અંદાજે 35,49,100/-ની કિંમતનું કુલ 354.910 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કર્યું છે. આ ઈસમ સુરતમાં જે બે ઈસમને ડ્રગ્સ આપવાનો હતો તે બે પણ પકડાયા છે. પકડાયેલા આરોપીઓમાં એક સુરતની વીટી ચોક્સી કોલેજનો LLBનો વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થી હિન્દુ સંગઠન સાથે સંકળાયેલો હોવાની વિગતો પણ બહાર આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એસ.ઓ.જી.ના પી.એસ.આઈ.ને એવી બાતમી મળી હતી કે, રાજસ્થાનનાં ઉદયપુરથી ફોરવ્હીલમાં એક ઈસમ સુરત શહેરમાં મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવી રહ્યો છે.


બાતમીના આધારે એસ.ઓ.જી.નાં પોલીસ ઇન્સપેકટરએ તેમની ટીમનાં અધિકારીઓ સાથે સલાબતપુરા ઉધના દરવાજા પાસે આવેલા સાર કોર્પોરેટ સેન્ટર નામની બિલ્ડીંગમાં સાતમા માળે આવેલી હોટલ ધ ગ્રાન્ડ વિલા ઈનના રૂમ નં.704માં દરોડા પાડ્યા હતા. રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સની ડિલેવરી કરવામાં માટે આવેલો આરોપી ચેતન કિશનલાલ શાહુ (ઉ.વ.22., રહે.સરકારી સ્કૂલની બાજુમાં નારાયણપુરા (બડગામ) પોસ્ટ ભિંડર તા.વલ્લભનગર જી.ઉદયપુર રાજસ્થાન) પકડાયો હતો. તેની પાસેથી રૂપિયા 35,49,100/-ની કિંમતનું પ્રતિબંધિત 354.910 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. ડ્રગ્સ, મોબાઈલ, કાર અને રોકડા સહિત તેની પાસેથી કુલ 44,75,450/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.


તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે, ઉદયપુરનો ચેતન શાહુ સુરતમાં LLBનાં વિદ્યાર્થીને ડ્રગ્સની ડિલીવરી પહોંચાડવાનો હતો. એસ.ઓ.જી.એ સુરત શહેરમાં માલની ડીલેવરી લેનાર અનિષખાન ઉર્ફે અન્નુ લાકડાવાલા અજીઝખાન પઠાણ (રહે.પંચશીલનગર ઉમિયામાતાના મંદિર પાસે ભાઠેના,સુરત) અને LLBનો વિદ્યાર્થી એવા વિકાસ શંકરભાઈ આહીર (રહે.ખટોદરા કોલોની શાસ્ત્રીનગર સલાબતપુરા સુરત મુળવતન-ગામ-લસાડીયા ખુદ તા.રાશમી જી-ચિત્તોડગઢ રાજસ્થાન)ને પણ પકડી પાડવામાં સફળતા મેળવી છે. વિકાસ આહીર વીટી ચોક્સી કોલેજમાં LLBનો વિદ્યાર્થી છે. તે હિન્દુ સંગઠન સાથે સંકળાયેલો હોવાની પણ ચર્ચા છે. વિકાસ આહીર પોતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હિન્દુ યુવા વાહિની સંસ્થાનો સુરત પ્રમુખ હોવાનો દાવો કરતો હોવાની પણ ચર્ચા છે.


આરોપીઓ વિરૂધ્ધમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં NDPS અધિનીયમ હેઠળ ગુન્હો દાખલ કરાયો છે. આરોપીઓની પુછપરછમાં એવી વિગતો બહાર આવી છે કે, અગાઉ મુંબઈ મહારાષ્ટ્ર તરફથી ડ્રગ્સનો જથ્થો સુરત શહેર ખાતે ઘુસાડવામા આવતો હતો પરંતુ સુરત શહેર પોલીસ દ્વારા આ ડ્રગ્સ સપ્લાયરો તેમજ પેડલરોને ઝડપી પાડી મહારાષ્ટ્ર તરફથી આવતી ડ્રગ્સની સ્પ્લાય ચેઇન તોડી પાડવામાં આવી હતી, જેથી ડ્રગ્સ માફીયાઓએ નવો રાજસ્થાનનો રૂટ અપનાવ્યો હતો. જોકે માફિયાઓ રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રથમ પ્રયત્ન પણ સુરત શહેર એસ.ઓ.જી..એ નિષ્ફળ બનાવ્યો છે. અનિષખાન ઉર્ફે અન્ન લાકડાવાલા નાએ 2017ની સાલમાં એક તાલિબ નામના ઇસમનું અપહરણ બાદ હત્યા કરી ડુમસ ખાતે ગટરમાં લાશ ફેંકી દીધી હતી.


જે બાબતે તેના વિરૂધ્ધમાં ખટોદરા પોલીસ સ્ટેશન અપહરણ તથા ખુનનો ગુનો દાખલ થયો હતો. તે ઉપરાંત અલથાણ પોલીસ સ્ટેશન એન.ડી.પી.એસ.કેસમાં પાંચ મહિના અગાઉ ધરપકડ થઈ હતી. બે મહિના પહેલા જામીન મુકત થયો છે અને હાલમાં પણ ડ્રગ્સ પેડલર તરીકે ધંધો કરતો હતો. તમામ આરોપીઓ રાજસ્થાન ખાતેથી સ્નેપચેટ તથા ઈન્સ્ટાગ્રામ માધ્યમ દ્વારા ડ્રગ્સનો ઓર્ડર કરી મંગાવી એમ.ડી.ડ્રગ્સની હેરા ફેરી કરી સુરત શહેર ખાતે આઇસ્ક્રીમની લારીઓ તથા આઇસ્ક્રીમ પાર્લર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રીના સમયે ટુ-વ્હિલ તથા ફોર-વ્હિલ ગાડીઓમાં પોતાના જાણીતા ગ્રાહકોને ડગ્સની ડીલેવરી કરતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News