આણંદનાં વાસદ-બગોદરા હાઈવે માર્ગ પર આવેલ બોરસદ તાલુકાના બોદાલ ગામના પીકઅપ સ્ટેન્ડ નજીકથી મચ્છી પકડવાની જાળની આડમાં છુપાવી એક ટ્રકમાં લઈ જવાતો 315 નંગ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી કુલ રૂપિયા 22.02 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આણંદ એલ.સી.બી. પોલીસની ટીમ ગત ગુરુવારની સાંજે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મહારાષ્ટ્ર પાસીંગની એક ટ્રકમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ભરી વાસદ-બગોદરા હાઈવે પરથી સૌરાષ્ટ્ર તરફ જનાર હોવાની બાતમી આણંદ એલ.સી.બી. પોલીસને મળી હતી. જેના આધારે પોલીસની ટીમ વાસદ-બગોદરા હાઈવે માર્ગ પર આવેલા બોદાલ ગામના પીકઅપ સ્ટેન્ડ નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી.
તે દરમિયાન બાતમીદારના વર્ણન મુજબની ટ્રક આવી ચઢતા પોલીસે શંકાને આધારે તેને અટકાવી હતી. પોલીસે ટ્રકની પાછળ તપાસ કરતા મચ્છી પકડવાની જાળીઓ મળી આવી હતી. જોકે પોલીસે તે હટાવી અંદર તપાસ કરતા ગુપ્ત ખાનું જોવા મળ્યું હતું. જે ખોલીને જોતા અંદરથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલકના નામઠામ અંગે પૂછતા તે રાહુલ શિવાજી અગદરાઉ કદમ (રહે.મુંબઈ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકને બોરસદ શહેર પોલીસ મથકે લાવી ગણતરી કરતા અંદરથી 315 નંગ વિદેશી દારૂની પેટીઓ થઈ હતી. જેની અંદાજિત કિંમત રૂપિયા 13,24,680 જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂપિયા 22.02 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની વધુ પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો દમણથી વેરાવળ તરફ લઈ જવાનો હોવાનું તેણે કબૂલ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application