દક્ષિણ ગુજરાતમાં પ્રથમ રાઉન્ડના વરસાદ પછી મેઘરાજાએ લાંબો વિરામ કરતા અને ખાસ તો વાવણી પછી મેઘરાજા હાથતાળી આપી જતા ખેડૂતોમાં ચિંતાની લહેર ઊઠી હતી દરમિયાન ગત રોજ શનિવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ સુરત. નવસારી અને વલસાડ જિલ્લામાં વર્ષારાણીનું આગમન ધમાકેદાર થયું હતું જ્યારે ગત રાત્રિએ વનાચ્છાદિત કુદરતી સૌંદર્યની ધરા સમા ડાંગના મુખ્ય મથક આહવામાં ત્રણ ઈંચ થી વધુ અને તાપી જિલ્લામાં પણ મેઘરાજા આજે સવાર સુધી ઝરમર ઝરમર હતા.
આ અંગે વધુ વિગતો મુજબ ગતરોજ બપોરે આકાશમાં કાળાડિબાંગ વાદળો સાથે ધસી આવેલા મેઘરાજા વીજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં સુરત શહેરમાં અઢી ઇંચ ઓલપાડમાં એક ઈંચથી વધુ અને ચોર્યાસીમાં અડધો ઇંચ વરસાદ વરસાવ્યા બાદ વિરામ લીધો હતો જોકે રાત્રી દરમિયાન જિલ્લાના પલસાણા, માંડવી ,મહુવા, કામરેજ તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે ઓલપાડ તાલુકામાં રાત્રી દરમિયાન અડધો જ અને માંગરોળ તાલુકાના મોડી રાત્રિએ વીજળીના કડાકા-ભડાકા સાથે ૪૫ મી.મી. કે પોણા બે ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી થઇ ગયું હતું.
તાપી જિલ્લામાં સોનગઢ અડધા ઈંચથી વધુ જ્યારે વાલોડ ડોલવાણમાં ભારે ઝાપટા અને વ્યારા તેમજ નિઝરમાં સામાન્ય ઝાપટા વરસ્યા
ઉપરાંત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે દિવસ દરમિયાન મેઘરાજાએ વાતાવરણમાં બફારા સાથે વિરામ ફરમાવ્યો હતો નવસારી જિલ્લામાં પણ વીતેલા ૨૪ કલાકમાં ખેરગામમાં અડધા ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે ગણદેવી,ચીખલી, જલાલપોર, નવસારી અને વાંસદા તાલુકામાં હળવાથી ભારે ઝાપટા રૂપે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. બીજી તરફ તાપી જિલ્લામાં સોનગઢ અડધા ઈંચથી વધુ જ્યારે વાલોડ ડોલવાણમાં ભારે ઝાપટા અને વ્યારા તેમજ નિઝરમાં સામાન્ય ઝાપટા વરસ્યા હતા ડાંગ જિલ્લામાં ગતરાત્રે મેઘરાજાનું આગમન થયું હતું ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક એવા આહવા તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે વઘઈમાં એક ઇંચ સાપુતારા એક ઈંચ અને સુબીરમાં હળવા ઝાપટા વરસતા ગીરીકંદમાળાઓના વાતાવરણમાં શીતળતા વ્યાપી જવા પામી હતી.આ ઉપરાંત વલસાડના ઉમરગામમાં પોણો ઇંચ ધરમપુરમાં અડધો ઇંચથી વધુ પારડીમાં અડધો ઇંચ અને વલસાડ તેમજ વાપીમાં ઝાપટા રૂપે વરસાદ વરસ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેતીવાડી આધારિત તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ અને તળના પાણીના અભાવથી સંપૂર્ણ વાવણી નિષ્ફળ જાય અને ખેડૂતોનો ખર્ચ અને મહેનત એળે જાય તેવી સ્થિતિ હતી પરંતુ લાંબા વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલટા સાથે ગાજવીજ વરસાદ દક્ષિણ ગુજરાત પંથકમાં કયાંક ભારે તો ક્યાંક સુપડા ધારે વરસતા લોકોએ બફારાથી મુક્તિ મેળવી હતી અને નગરજનોએ ઠંડકનો અનુભવ કર્યો હતો ચોમાસા દરમિયાન ખેંચાયેલા વરસાદ બાદ પુનઃ આગમન થતાં લોકોમાં આશાના સંચાર વચ્ચે આનંદની લહેર ઉઠવા પામી છે અને વરસાદને પગલે વાવેતરને પણ નવજીવન મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500