ન્યૂયોર્કનાં હાર્લેમમાં ફાધર્સ-ડેનું સેલિબ્રેશન ચાલતું હતું તે સમયે જ અંધાધૂંધ ગોળીઓ વરસી હતી અને આ ફાયરિંગમાં એકનું મોત થયું હતું જયારે આઠને ઈજા પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળેથી ગન કબજે કરી હતી પરંતુ હુમલાખોર પકડાયો ન હતો. જોકે હુમલાખોરની શોધખોળ શરૂ કરી હતી. ફાયરિંગની વધતી ઘટનાઓથી લોકોમાં દહેશત ફેલાઈ હતી. ન્યૂયોર્કના પોલીસ કમિશ્નર કિચન્ટ સેવેલના કહેવા પ્રમાણે ફાધર્સ ડે વીકએન્ડ હોવાથી લોકો પરિવાર સાથે સમય વીતાવતા હતા.
તેમજ આ કાર્યક્રમ હાર્લેમની એક ગલીમાં યોજાતો હતો એ સંગીતમય કાર્યક્રમમાં અચાનક અંધાધૂંધ ગોળીઓ વરસવાનું શરૂ થયું હતું. લોકો કંઈ સમજે કે વિચારે તે પહેલાં નવ લોકો હુમલાખોરની ગોળીથી વિંધાયા હતા. ચારને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. એમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
તે પછી અન્ય પાંચ ફૂટપાથ પર ઘાયલ થયેલા મળી આવ્યા હતા. ઘાયલ થયેલા લોકોમાંથી બેને વધુ ઈજા પહોંચી હોવાનું પોલીસે કહ્યું હતું. હુમલાખોર વિશે વધુ જાણકારી એકઠી કરવામાં આવી રહી હતી. પોલીસે ઘટના સ્થળેથી ગન કબજે કરી હતી. ઘટના સ્થળે હાજર લોકોના નિવેદન અને સીસીટીવીના આધારે પોલીસે હુમલાખોરને પકડી દેવાની કવાયત હાથ ધરી હતી. અમેરિકામાં સતત ફાયરિંગની ઘટના બનતી હોવાથી લોકોમાં દહેશતનો માહોલ છે. ન્યૂયોર્કનાં વ્યસ્ત વિસ્તારમાં વીક એન્ડ વખતે જ ગોળીઓ વરસી હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500