નવસારી લુન્સીકુઈ પારસી હોસ્પિટલ પાસે દિન દહાડે વૃદ્ધાને અર્ધબેભાન કરી રૂપિયા ૭૩ હજારની કિંમતની સોનાની ચેઈન તફડાવી ફરાર થઈ જનાર બે પૈકી એક આરોપીની નવસારી જિલ્લા એલ.સી.બી.ની ટીમે માંગલીયાવાડ પાસેથી ઝડપી આરોપી સંજય પાડયો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, તારીખ ૩૧ ઓગસ્ટનાં રોજ નવસારી લુન્સીકુઈ પાસેની પારસી હોસ્પિટલ નજીક સવારના ૧૦ વાગ્યાનાં અરસામાં મોપેડ પર આવેલા બે ગઠિયાઓએ રાહદારી વૃદ્ધા ઉષાબેન ભરતીયા (ઉ.વ.૭૩)ને મેલડી માતાના મંદિરના સરનામું પૂછવાના બહાને અટકાવ્યા બાદ તેમના માથા ઉપર કોઈ પ્રદાર્થ નાખીને બેભાન કર્યા કરી તેમના ગળામાં પહેરેલા પેન્ડન્ટ સાથેની પોણા બે તોલાની સોનાની ચેઇન જેની કિંમત રૂપિયા ૭૩ હજાર હતી જે કાઢી લઈ ફરાર થઈ ગયા હતા.
ચોરી અંગેની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેથી આ ગુન્હામાં નવસારી જિલ્લા એલ.સી.બી. પોલીસનાં સ્ટાફે પોલીસ કંટ્રોલરૂમમાં ફિટ કરેલા નેત્રમ CCTV કેમેરાનાં ફૂટેજ વર્કઆઉટ કરી આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે, વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન કાઢી લેવાના ગુન્હામાં સંડોવાયેલા બે પૈકી એક આરોપી નવસારીના રીંગરોડ માંગલીયા વાડ પાસે આંટાફેરા મારે છે. જેના આધારે એલ.સી.બી. પોલીસ ટીમે વોચ ગોઠવીને આરોપી સંજયનાથ સુરમનાથ મદારી (ઉ.વ.૩૧. હાલ રહે. મદારીવાડ ગણેશપુરા, તા.દહેગામ, જિ.ગાંધીનગર, મૂળ રહે.તૈયબપુરા મદારીવાડ, તા.કપડવંજ, જિ.ખેડા)ને ઝડપી પાડી તેની પાસેથી ચોરી કરેલી સોનાની ચેઈનનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે એલ.સી.બી.ની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપી સંજયનાથ મદારીએ એક સપ્તાહ પહેલા તેના બનેવી બોપલનાથ દિલીપનાથ મદારી (રહે.તૈયબપુરા મદારીવાડ,ખેડા) સાથે મળી વૃદ્ધાને વાતોમાં ભોળવી તેમના ગળામાંથી સોનાની ચેઈન કાઢી લીધી હોવાની કબૂલાત કરી હતી. બનાવ અંગે નવસારી પોલીસે આરોપી સંજયનાથ મદારીનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500