વલસાડનાં બલીઠામાં સરનામું પૂછવાના બહાને બાઇક ચાલકને લૂંટી લેનાર લૂંટારુઓ પૈકી યુ.પી.ના એક શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. જેની પુછપરછમાં આ કેસમાં વધુ ચાર આરોપીના નામ ખુલતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. મળતી માહિતી મુજબ, વાપી ખાતે રહેતો એક નાગરિક ગત તારીખ ૦૧-૦૩-૨૫ નારોજ રાત્રે બલીઠા સ્મશાનભૂમિ રોડની બાજુમાંથી પોતાની બાઇક પર આવતો હતો. ત્યારે ૨૦થી ૨૫ વર્ષની વયના ચાર અજાણ્યા હિન્દી ભાષી ઇસમોએ સરનામું પૂછવાને બહાને તેને રોકીને ફોન અને બાઇકની ચાવી લઈ લીધા બાદ તેને બલીઠા સ્મશાનભૂમિ રોડથી પગપાળા રેલવે ટ્રેક ક્રોસ કરાવી ખુલ્લી ઝાડીવાળી જગ્યામાં લઇ ગયા હતા.
જ્યાં તેને ધમકાવીને તે શખ્સોએ તે નાગરિકના પાકીટમાંથી રોકડા રૂ. તથા સોનાની રિંગ તેમજ ફરિયાદીના બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રા બેંકના એ.ટી.એમ. કાર્ડ લૂંટી લીધા હતા. ત્યારબાદ તેના પાસવર્ડ જબરદસ્તીથી મેળવી લઈને બેંક ખાતામાંથી રૂ.૩૩,૩૦૦ પણ ઉપાડાયા હતા. કુલ રૂપિયા ૭૩,૪૫૦/-ની મતા લઈ આરોપીઓ ભાગી છૂટયા હતા. જે અંગે વાપી ટાઉન પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેથી વાપી ટાઉન પોલીસ ટીમે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ આદરી હતી. તેમજ ફરિયાદીના ખાતામાંથી ટ્રાન્સફર રકમ અંગે પણ તપાસ શરૂ થઈ હતી.
દરમિયાન બનાવ સમયે આરોપીઓ મોરાઈ ચેકપોસ્ટ ખાતે ઇન્સ્ટોલ કરેલ નેત્રમના સીસીટીવી ફૂટેજમાં દમણ તરફ ચાલતા જતા દેખાયા હતા તેમજ ફરિયાદીના ખાતામાંથી કરાયેલ નાણાકીય ટ્રાન્સફર અમદાવાદના એક એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં થયા હોવાનું જણાયું હતું. જે બાદ તપાસ અધિકારીઓની ટીમને મળેલી આધારભૂત બાતમીના આધારે આરોપી દેવવતસિંહ ઉર્ફે સોનુ કાયમસિંહ યાદવ, (ઉ.વ.૨૧, હાલ રહે.ચાર બત્તી પાસે, મુનસ્ટારની બાજુમાં આવેલ કાલુ ચિકન શોપિંગવાળી બિલ્ડિંગમાં, ફ્લેટ નં.૪૭૧, વાડી ફળિયા, નાની દમણ, મૂળ રહે. મેનપુરી જિલ્લો, યુ.પી.)ને ઝડપી લેવાયો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછમાં વધુ ચાર આરોપીઓ શશીકાંત ઉર્ફે શાહરૂખ વજમોહન સાગર (રહે.મનીપુર જિલ્લો, યુ.પી.), પ્રીન્સકુમાર (રહે. ગામ કમલપુર, યુ.પી.) અર્પિત અને અંકિતનું નામ પણ બહાર આવતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. પકડાયેલા આરોપી દેવવતસિંહ પાસેથી સોનાની વીંટી કબજે કરાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500