મધ્યપ્રદેશનાં ‘કુનો નેશનલ પાર્ક’માં વધુ એક ચિત્તાનું મોત થયું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નર ચિતા તેજસનું મૃત્યુ થયું હતું. ‘કુનો નેશનલ પાર્ક’માં, મોનિટરિંગ ટીમને સવારે નર ચિત્તો તેજસ ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. તેના ગળા પર ઈજાના નિશાન હતા. નિષ્ણાતોની ટીમે તેજસને વાડાથી બહાર કાઢ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. તેજસનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. તેને કેટલી ઈજાઓ થઈ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ મહિનામાં ‘કુનો નેશનલ પાર્ક’માં સાત ચિત્તા મૃત્યુ પામી ચૂક્યા છે. કુનો નેશનલ પાર્ક વતી એવું કહેવામાં આવ્યું હતું કે, મંગળવારે સવારે લગભગ 11:00 વાગ્યે, મોનિટરિંગ ટીમે નર ચિતા તેજસને બેભાન અવસ્થામાં જોયો હતો. તેજસની ગરદનનાં ઉપરના ભાગમાં ઇજાઓ મળી આવી હતી. તેની માહિતી મોનિટરિંગ ટીમે પાલપુર હેડક્વાર્ટરે હાજર ડૉક્ટર્સની ટીમને આપી છે.
ટીમે ઘટના સ્થળે પહોંચી તેજસની ઇજાઓની તપાસ કરી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. નર ચિતા તેજસનું બપોરે બે વાગ્યે મૃત્યુ થયું. તેને ગરદન પર ઇજાઓ થઈ હતી. રિપોર્ટ અનુસાર, દક્ષિણ આફ્રિકાનાં નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓમાંથી અત્યાર સુધીમાં ચાર ચિત્તા અને ત્રણ બચ્ચા મૃત્યુ પામ્યા છે. તેમાંથી છ વર્ષનાં ચિત્તા 'ઉદય'નો પણ સમાવેશ થાય છે, જેનું મૃત્યુ એપ્રિલમાં થયું હતું. અગાઉ 'સાશા'નું પણ મોત થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500