Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નકલી માર્કશીટ અને બોગસ ડીગ્રી કૌભાંડમાં વધુ એક આરોપીની દિલ્લીના હરિયાણા ખાતેથી ધરપકડ

  • March 27, 2024 

સુરતની સિંગણપોર પોલીસ દ્વારા નકલી માર્કશીટ અને બોગસ ડીગ્રી કૌભાંડમાં વધુ એક આરોપીની દિલ્લીના હરિયાણા ખાતેથી સિંગણપોર પોલીસે 60 જેટલી બોગસ ડિગ્રીઓ અને માર્કશીટ સાથે આરોપીને ઝડપી પાડી ધરપકડ કરી છે. જ્યારે સમગ્ર કૌભાંડમાં સામેલ અન્ય આરોપીઓની પણ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હમણાં સુધી કુલ છ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં બોગસ ડીગ્રીનો ઉપયોગ કરનારા આરોપીઓનો પણ સમાવેશ થાય છે. 


સુરતના સિંગણપોર વિસ્તારમાંથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આંતરરાષ્ટ્રીય નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રી બનાવવાના કૌભાંડ મામલે વધુ એક આરોપીની પોલીસે દિલ્હીના હરિયાણા ખાતેથી ધરપકડ કરી છે. સુરત ડીસીપી પિનાકીન પરમારના જણાવ્યા અનુસાર, 21 માર્ચના રોજ સુરત સીંગણપોર પોલીસ દ્વારા નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રી બનાવવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી નિલેશ સાવલિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપી પાસેથી લેપટોપ, કોમ્પ્યુટર સહિત 137 અલગ અલગ રાજ્યના શિક્ષણ બોર્ડની નકલી માર્કશીટ અને જુદી જુદી યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રીઓ કબજે કરવામાં આવી હતી. જે આરોપીની પૂછપરછ માં ફરીદાબાદના મનોજકુમાર નામના શખ્સ સામે આવ્યું હતું.


સમગ્ર કૌભાંડ રાષ્ટ્રવ્યાપી હોય સિંગણપોર પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.જે તપાસ દરમિયાન પોલીસને એક બાદ એક કડીઓ મળતી ગઈ હતી. સમગ્ર એક પ્રકારની એજન્ટોની લાંબી ચેન ચાલી રહી હોવાની શક્યતા ના પગલે પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વકની આ કેસની તપાસ શરૂ કરી હતી. સિંગણપોર પોલીસની તપાસમાં સરથાણા અને સેલવાસના વધુ બે એજન્ટોની ભૂમિકા સામે આવતા બે દિવસ અગાઉ બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.જે બંને આરોપીઓની પૂછપરછ પણ રૂ.10,000 થી લઈ એક લાખ રૂપિયા સુધીમાં બોગસ માર્કશીટ અને ડિગ્રી બનાવી આપવામાં આવતા હોવાનો ખુલાસો થયો હતો.જે બાદ સરથાણા ના કેતન શૈલેષ જેઠવા અને સેલવાસથી આસિફ જીવાણીની ધરપકડ કરવામાં આવી હતી.


આ બંને એજન્ટો પોતાની પાસે આવતા લોકોને વિદેશ જવા માટે જરૂરી બોગસ ડોક્યુમેન્ટ બનાવવા માટે સુરતના એજન્ટ નિલેશ સાવલિયાનો સંપર્ક કરતા હતા.જે બાદ નિલેશ સાવલિયા બોગસ ડોક્યુમેન્ટ બનાવવા માટે જે તે વ્યક્તિના તમામ ડેટા દિલ્હી અનવ હરિયાણા ખાતે બેઠેલા માસ્ટર માઈન્ડ આરોપીઓ મનોજકુમાર, કરણ અને રાહુલ સૈની ને મોકલી આપતો હતો.  પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ ત્રણેય શખ્સોના સંપર્કમાં દેશના અલગ અલગ રાજ્યના એજન્ટો પણ સંપર્કમાં છે. જેમ ગુજરાતમાં નિલેશ સાવલિયા એજન્ટ છે તેવી જ રીતે અલગ અલગ રાજ્યોમાં પણ તેઓ જોડે અન્ય એજન્ટો સંકળાયેલા છે. જે એજન્ટો ને રૂપિયા લઈ નકલી સર્ટીફીકેટ અને બોગસ ડિગ્રીઓ મોકલી આપતા હતા. ડીસીપી પિનાકીન પરમારના જણાવ્યા મુજબ, આ એક સુનિયોજિત આરોપીઓની ચેન ચાલી આવી છે. જેમાં અલગ અલગ એજન્ટો ની ભૂમિકા રહેલી છે.


પોલીસ તપાસમાં દિલ્હીના હરિયાણા ખાતે રહેતા રાહુલ સૈની નામના ઇસમનું નામ સામે આવતા તેની ધરપકડ કરવા માટે પોલીસે ટીમ દિલ્હી રવાના કરવામાં આવી હતી.જ્યાથી રાહુલ સૈની નામના આ શખ્સને ઝડપી પાડવામાં સિંગણપોર પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે આરોપીના ઘરમાં સર્ચ કરતા 60 જેટલી અલગ અલગ ડિગ્રીઓ અને માર્કશીટ મળી આવી છે. જેમાં 47 નામ જોગ અને અન્ય 13 જેટલી નકલી માર્કશીટ તેમજ સર્ટિફિકેટ નામ વિનાના મળી આવ્યા છે.જે આરોપીની ધરકપડ કરી સુરત કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ ઝડપાયેલ આરોપી રાહુલ સૈની જેવા અન્ય આરોપીઓ હરિયાણા અને દિલ્હી ખાતે રહેલા છે. જે શખ્સો આ પ્રકારે લોકોને બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ રૂપિયા લઇ બનાવી આપે છે.જે કૌભાંડના તાર દૂર દૂર સુધી જોડાયેલા છે અને અનેક ખુલાસા બહાર આવે તેવી શકયતા રહેલી છે.


આ સમગ્ર કૌભાંડ ના માસ્ટર માઈન્ડો દિલ્હીમાં બેઠેલા છે અને દેશભરમાં આ માસ્ટર માઈન્ડો દ્વારા બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ બનાવી આપવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં જે લોકોએ બોગસ ડિગ્રી અને નકલી માર્કશીટ ઉપરાંત સર્ટિફિકેટ બનાવી લાભ લીધો છે,તેવા લોકો સામે પણ સંકજો કસવામાં આવી આવી રહ્યો છે.જેમાં દિપક પરાસર અને હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓ દ્વારા એજન્ટો ની મદદથી નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રીઓ બનાવવામાં આવી છે. આમ પોલીસ દ્વારા એજન્ટો સહિત કુલ છ આરોપીઓની હમણાં સુધી અટકાયત કરવામાં આવી છે. જેથી પોલીસ પણ હાલ અલગ અલગ રાજ્યોમાં છાપો મારી સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. 


એટલું જ નહીં પરંતુ ગુજરાત બહારની કેટલીક યુનિવર્સિટીઓની પણ સંડોવણી હાલ સામે આવી છે. જે યુનિવર્સિટીઓ સાથે દિલ્હી અને હરિયાણા માં બેઠેલા માસ્ટર માઈન્ડો સંપર્કમાં હોવાનું હમણાં સુધીની તપાસમાં સામે આવ્યું છે. પોલીસ તપાસમાં દિલ્હી અને હરિયાણા ખાતે બેઠેલા બોગસ ડીગ્રી અને નકલી માર્કશીટ કૌભાંડના મુખ્ય સૂત્રધારોના કેટલાક ટાઉટો પણ યુનિવર્સિટીમાં બેઠેલા છે. જે ટાઉટોના માધ્યમ દ્વારા બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ સહિત નકલી માર્કશીટ અન્યોને આપવામાં આવતી હતી.  એટલું જ નહીં પરંતુ અન્ય કોઈ એજન્સી અથવા ફોરેનની યુનિવર્સિટી આવી બોગસ ડિગ્રીઓ અથવા તો સર્ટિફિકેટ નું વેરીફિકેશન કરે ત્યારે આ યુનિવર્સિટીઓ દ્વારા તેને ઓથોરાઈઝ તરીકે જાહેર કરી આપવામાં આવતી હતી. આ ખૂબ જ મોટું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ હોવાનું હમણાં સુધીની તપાસમાં સામે આવતા પોલીસ તેની ઝીણવટભરી રીતે તપાસ કરી રહી છે. જ્યાં આગામી દિવસોમાં આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સહિત અલગ અલગ યુનિવર્સિટીઓ ના કર્તાહર્તાઓની ધરકપડ થાય તો નવાઈ નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application