Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલ આતંકી હુમલામાં એક જવાન શહીદ, છ જવાનો ઘાયલ

  • June 13, 2024 

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 72 કલાકમાં ત્રણ આતંકી હુમલા થયા છે. આ હુમલાઓમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો જ્યારે 6 જવાનો ઘાયલ થયા હતા. જ્યારે કઠુઆમાં સૈન્ય ઓપરેશનમાં બે આતંકીઓ પણ ઠાર મરાયા હતા. હજુ બે દિવસ પહેલા જ વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓની બસ પર હુમલામાં 10 લોકોએ જીવ ગુમાવ્યો હતો, એવામાં 72 કલાકમાં ત્રણ મોટા આતંકી હુમલાથી જમ્મુ કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષાના દાવાની પોલ ખુલી હતી. સાથે જ સુરક્ષા એજન્સીઓ પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. કઠુઆના હીરાનગરમાં સૈદા સુખલ ગામમાં મંગળવારે સવારે 8 વાગ્યે આતંકી હુમલો થયો હતો.


આ ગામમાં આતંકીઓ લોકોના ઘરોમાં હથિયારો સાથે પહોંચ્યા હતા, જેને કારણે ગામના લોકોએ વિરોધ કરતા આતંકીઓએ તેમના પર ગોળીબાર કરી દીધો હતો જેમાં એક નાગરિક ઘાયલ થયો છે. જે બાદ સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. જોકે આ ઓપરેશન દરમિયાન સીઆરપીએફનો એક જવાન કબીર દાસ શહીદ થઇ ગયો હતો. આતંકીઓ પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઇ છે. આતંકીઓ પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ, રોટલી, દવાઓ, ઇંજેક્શન, 1 સિરિંજ, એક એંટિના, હેન્ડ ગ્રેનેડ વગેરે જપ્ત કરાયા હતા.


મોડી રાત સુધી બે સૈન્ય ઓપરેશન ચાલ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ એક સૈન્ય પોસ્ટ પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાનો અને એક સ્પેશિયલ પોલીસ ઓફિસર એસપીઓ પણ ઘાયલ થયા હતા. રિયાસીમાં વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પર હુમલામાં 10 લોકોના મોતની ઘટનાના બે દિવસ બાદ આ હુમલા સામે આવ્યા છે. જમ્મુ ઝોનના એડિશનલ ડીજીપી આનંદ જૈને કહ્યું હતું કે દોડા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ જોઇન્ટ પાર્ટી અને સૈન્યના રાષ્ટ્રીય રાઇફલના કાફલા પર મોડી રાત્રે હુમલો થયો હતો. કઠુઆ હુમલામાં સામેલ બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, એક આતંકી સ્થળ પર જ માર્યો ગયો હતો જ્યારે બીજો આતંકી જંગલમાં ભાગી ગયો હતો જેનો સવારે સફાયો કરાયો હતો.


આતંકી પાસેથી અમેરિકી બનાવટની એમ૪ અસોલ્ટ રાઇફલ મળી આવી છે. ગામના લોકો પાસે આતંકીઓ પાણી માગી રહ્યા હતા જે દરમિયાન જ ગામના લોકોએ પોલીસને એલર્ટ કરી દીધી હતી. જેને કારણે આ બન્ને આતંકીઓને મારવામાં સફળતા મળી હતી. જોકે આ ઓપરેશન દરમિયાન એક જવાન શહીદ થયો છે અને અન્ય છ ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે. ઓપરેશન દરમિયાન એક આતંકીએ સાંબા રેંજના અધિકારીઓ ડીઆઇજી સુનિલ ગુપ્તા, કઠુઆના એસપી અનાયત અલી ચૌધરીના વાહન પર ગોળીબાર કર્યો હતો. આતંકીએ અનેક ગોળીઓ મારી હતી, જોકે અધિકારીઓ માંડ બચ્યા હતા. જે બાદ આ આતંકીને શોધીને તેને ઠાર મારવામાં આવ્યો હતો.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News