Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરમપુર ચોકડી પાસે કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત

  • September 30, 2023 

વલસાડનાં ધરમપુર ચોકડી પાસે વાપીથી સુરત તરફ જતા કાર ચાલકે રોંગ સાઈડ આવી રહેલી બે બાઇકને અડફેટે લેતાં અકસ્માત થયો હતો. ત્યારબાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ એક બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બે ઇજાગ્રસ્તોને 108ની મદદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. ઘટના અંગે સીટી પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડનાં મોગરાવાડી મણિનગર વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક હેમંતભાઈ સાળુંકે તેમની બાઇક ઉપર તેમની પત્ની સાથે અટક પારડી ખાતે આવેલા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા.



તેમનો દીકરો તેની પત્ની સાથે તેની બાઇક ઉપર આગળ ચલાવી રહ્યો હતો. જે દરમ્યાન ધરમપુર ચોકડી પાસે જૂની ખોડિયાર હોટલ પાસે વાપી તરફથી આવતી એક કારના ચાલક પવન હરીનાથ શાહુએ પોતાની કાર ચલાવી લાવી હેમંતભાઈ સાળુકેની બાઇક અને અન્ય એક બાઇકને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત કરીને પોતાની કાર ઘટના સ્થળે મૂકી ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ચેક કરતા હેમંતભાઈ સાળુંકેને થયેલી ઇજાઓને લઈને ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.



જયારે હેમંતભાઈની પત્નીને અને અન્ય બાઇક ચાલક પ્રફુલ અમરત પટેલને 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. અકસ્માતની ઘટનાને લઈને હેમંત સાળુંકેના દીકરા રાકેશે સાળુંકેએ કાર ચાલક પવન હરીનાથ શાહુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત કરનાર પવન શાહુ અકસ્માત સ્થળે કાર મૂકી ઘટના સ્થળેથી ભાગીને સીટી પોલીસ મથકે હાજર થયો હતો. સીટી પોલીસે અકસ્માતના આરોપીને ડિટેન કરી ફરિયાદી રાકેશની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application