સુરત જિલ્લાના અમરોલી કોસાડ આવાસ ખાતે જાવેદ અયુફ પઠાણ (મૂળ રહે.સમીગામ, જિ.રાધનપુર) રહે છે અને કેટરર્સમાં વેઈટર તરીકે કામ કરે છે. છેલ્લા ૧૫ દિવસથી નદીમ અખ્તર શેખના ત્યાં કેટરર્સમાં કામ કરે છે. જોકે ગુરૂવારે જાવેદ પઠાણને અંકલેશ્વર ખાતે લગ્ન પ્રસંગના ઓર્ડરમાં જવાનું હોય પોતાની સાથે કામ કરતા અસલમ શબ્બીર શાહ અને ઈબ્રાહીમ યુસુફ શાહ સાથે અંકલેશ્વર જવા નીકળ્યા હતાં.
તે સમયે કોસાડ આવાસ ખાતેથી રીક્ષા નંબર જીજે/૦૫/સીવી/૫૫૭૬ના ચાલક મીથીલેશ મણીરામ કુસ્વાહા (રહે.કોસાડ હાઉસિંગ, અમરોલી, સુરત)ની રીક્ષામાં બેસીને ત્રણેય જણા જવા નીકળ્યા હતાં. તે દરમિયાન ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-૪૮ ઉપર મીથીલેશ કુસ્વાહા રીક્ષા પ્રથમ લાઈનમાં ચલાવતો હતો. ત્યારે પુરઝડપે ચાલતી રીક્ષાના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દઈ રીક્ષા હાઈવેના ડિવાઈડર ઉપર ચઢાવી દઈ કુદાવતા સામેના ટ્રેક ઉપર પડતા સામેના ટ્રેક ઉપર ચાલતા અજાણ્યા વાહન સાથે રિક્ષા અથડાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં પાછળ બેઠેલા જાવેદ પઠાણ, અસલમ શાહ અને ઈબ્રાહીમ શાહને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે ચાલક મીથીલેશ કુસ્વાહાને માથામાં ગંભીર ઈજા થતાં ચારેયને ભરૂચ નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે ચાલક મીથીલેશને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે કોસંબા પોલીસે મરનાર રીક્ષા ચાલક મીથીલેશ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500