નેપાળમાં ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 25 લોકો લાપતાં થઈ ગયા છે. એક વ્યક્તિનાં મોતનાં સમાચારની પુષ્ટિ થઈ છે. નેપાળ પોલીસનાં જણાવ્યા અનુસાર ગતરોજ સાંજથી છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ-અલગ જિલ્લામાંથી લોકો ગુમ થયા છે. નેપાળનો સાંખુવાસભા જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. સંખુવસભામાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા 16 કામદારો ગુમ થયા છે. પૂરમાં સાત ઘરો પણ પૂરની ચપેટમાં આવી ગયા હતા. એક મજૂરનો મૃતદેહ મળી આવ્યો છે, જેની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ પંચથર જિલ્લામાં પૂરમાં પાંચ લોકો લાપતા હોવાના સમાચાર છે. પૂરમાં રસ્તાઓ ધોવાઈ જવાના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. તાપલેજુંગ વિસ્તારમાં પણ ચાર લોકો ગુમ થયાના સમાચાર છે. ભૂસ્ખલનને કારણે એક ઘર ધરાશાયી થયું હતું, જેમાં ચાર લોકો કાટમાળ નીચે પણ દટાયા હતા. લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નેપાળનાં વડાપ્રધાન પુષ્પ કુમાર દહલે અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે.
નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ ભૂતકાળમાં કહ્યું હતું કે, આ વર્ષે ચોમાસાને કારણે 12 લાખથી વધુ લોકો પ્રભાવિત થઈ શકે છે. તેમાંથી મધ્ય પ્રાંતમાં ચાર લાખ અને કોશી પ્રાંતમાં ત્રણ લાખ લોકોને અસર થશે. લુમ્બિની પ્રાંતમાં બે લાખ અને બાગમતી પ્રાંતમાં એક લાખ લોકોને અસર થશે. ગયા વર્ષે પણ નેપાળમાં ચોમાસાથી 20 લાખ લોકો પ્રભાવિત થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500