વલસાડનાં પારડી તાલુકાના અંબાચ અને વાપીના લવાછા વિસ્તારમાંથી પસાર થતી કારને અટકાવી ચેક કરતા બંને કારમાંથી કુલ 4,308 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંબાચથી કાર ચાલકને દારૂના જથ્થા સાથે ડુંગરા પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે લવાછા ખાતેથી કારમાં ઝડપાયેલો વિદેશી દારૂના જથ્થાના કેસમાં કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. ડુંગરા પોલીસની ટીમે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. વલસાડ એસ.પી.એ વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાંથી ગુજરાતમાં ઠલવાતો વિદેશી દારૂનો જથ્થો અટકાવવા પ્રોહીબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે વાપી તાલુકાના ડુંગરા પોલીસની ટીમ પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
જે દરમ્યાન ડુંગરા પોલીસ મથકના કોસ્ટબલ યુવરાજસિંહ ડાભીને સેલવાસથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને કારનો ચાલક સેલવાસ થઈ વાઘછીપાથી પારડી તાલુકાના અંબાચ થઈ નવસારી તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે ડાભી અને તેમની ટીમ અંબાચ ખાતે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી. જે દરમ્યાન વિદેશી દારૂ ભરેલી બાતમીવાળી કાર આવતા કારમાંથી 1956 બોટલ વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી કુલ 10.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કાર ચલાક ભાવિન પંકજ પટેલને ડુંગરા પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા એક કેસમાં ડુંગરા પોલીસની ટીમને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને વાપી થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળતા ડુંગરા પોલીસની ટીમે વાપી તાલુકાના લવાછા ગ્રામ પંચાયત ઓફીસ પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી.
દરમ્યાન બાતમીવાળી કાર આવતા ડુંગરા પોલીસની ટીમે નાકાબંધી હાથ ધરી હતી. પોલીસની નાકાબંધી જોઈને વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસના હાથે પકડાઈ જવાની બીકે કારનો ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. ડુંગરા પોલીસની ટીમે કાર નજીક જઈને કારમાં ચેક કરતા કારમાંથી 2352 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ડુંગરા પોલીસની ટીમે 2352 બોટલ વિદેશી દારૂનો જથ્થો અબે કાર મળી કુલ 7.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વલસાડ જિલ્લાના વાપીની ડુંગરા પોલીસની ટીમે 2 કેસમાં 2 કાર અને 4,308 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 17.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500