સુરત શહેરમાં માતા-પિતા માટે વધુ એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતાની નજર સામે જ હાથમાં ચીકુ લઈને રમતું બાળક ચીકુનું બી ગળી જતાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી જેથી બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઓરિસ્સાનાં વતની સંતોષ નાયકનાં પરિવાર સાથે ઉધના સ્થિત કૈલાશ નગરમાં રહે છે અને લુમ્સ કારખાનામાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે સંતોષભાઈ નાઈટ પાળી કરીને આવી ઘરમાં સૂતેલો હતો, તે સમયે તેમનો દોઢ વર્ષીય પુત્ર રીસી હાથમાં ચીકુ લઈને ઘરમાં રમતો હતો, ત્યારે તેની પત્ની સુજાતા ઘરકામ કરી રહી હતી. આ સમયે બાળકે રમતાં-રમતાં ચીકુને છુંદી નાખી તેની અંદરથી નીકળેલો બી અચાનક ગળી ગયો હતો. જેને લઇને રીસીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જયારે આ સમગ્ર ઘટના જોનાર માતા સુજાતા તાત્કાલિક પોતાના બાળક પાસે દોડી ગઈ હતી અને બાળકનાં ગળામાં ફસાયેલો બી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
તેણે તાત્કાલિક બુમાબુમ કરતાં પતિ સંતોષભાઈ નાયક જાગી ગયો હતો અને બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે લઇને પહોંચ્યો હતો. જ્યાં પ્રયાસ કરવા છતાં બી ના નીકળતા બાળકને ગંભીર અવસ્થામાં 108માં લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પરંતુ હોસ્પિટલનાં તબીબો સારવાર કરે તે પહેલા જ બાળકનું મોત થયું હતું. ઘટનાને સમગ્ર વિસ્તારમાં અને પરિવાર શોકનું મોજું ફરી વળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500