Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘વિશ્વ બાલિકા દિવસ’ અંતર્ગત રૂસ્તમપુરા ખાતે ‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત' થીમ અંતર્ગત કિશોરી મેળો યોજાયો

  • October 12, 2023 

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓના હાર્દમાં દીકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓના શિક્ષણ, પોષણ બાળલગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી આ યોજનાઓના સંકલનમાં ભારત સરકારની થીમ ‘કિશોરી કુશળ બનો’ હેઠળ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ અને ICDS વિભાગના સંયુક્ત ઉપક્રમે રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે ‘કિશોરી કુશળ બનો થીમ તથા ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન' હેઠળ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ તથા પૂર્ણા યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો હતો. મેળામાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, બચત, સુરક્ષા, કાનૂની સહાય સહિતના પાસાઓની સમજ અપાઈ હતી. આ પ્રસંગે આસિસ્ટન્ટ મ્યુ. કમિશનર ગાયત્રી જરીવાલાએ જણાવ્યું હતું કે, સંકલિત મહિલા અને બાળ વિકાસની યોજનાઓનું અમલીકરણ સુરત મનપા દ્વારા જમીની સ્તરે કરવામાં આવે છે.



બાળકીના જન્મ બાદ પહેલા રૂદનથી લઈને વયસ્ક થાય ત્યાર સુધીનું જીવન સંઘર્ષપૂર્ણ હોય છે. મહિલાઓલક્ષી યોજનાઓ બહેનોને સશક્ત આત્મનિર્ભર બનાવવાનું માધ્યમ છે. મહિલાહિતના કાયદાઓથી લઈને કિશોરીઓમાં આવતા શારીરિક બદલાવ, સ્વરક્ષણની સ્કીલ, જાણકારી હોવી અનિવાર્ય છે. સ્વયં જાગૃત્ત થઈને આજની નારીઓ અબળા નહીં, પણ સબળા બની છે એમ તેમણે ઉમેર્યું હતું. વિભાગીય નાયબ નિયામક કોમલબેન ઠાકોરે જણાવ્યું હતું કે, કિશોરીઓને પોષણ, આરોગ્ય અને વિવિધ જીવન કૌશલ્ય વિશે શિક્ષિત કરવા માટે તેની સ્વ-યોગ્યતા વધારવા અને કિશોરીઓને સશક્ત બનાવવા કિશોરી મેળો યોજાયો છે. કિશોરીઓને ફક્ત પૂર્ણા શક્તિના પેકેટ આપવાથી જ પૂર્ણા દિવસ પૂર્ણ નથી થતો, પરંતુ આરોગ્ય અને પોષણ શિક્ષણ પણ સાથે આપવું આવશ્યક છે.



કિશોરીઓ તંદુરસ્ત રહી સમાજને પણ તંદુરસ્ત બનાવવામાં પોતાનો ફાળો આપી શકે છે. તંદુરસ્તી એટલે માત્ર શારીરિક તંદુરસ્તી નહિ, પણ શારીરિક, માનસિક, ભાવનાત્મક તંદુરસ્તીની સાથેનો સર્વાંગી વિકાસ છે. ’કિશોરી કુશળ બનો’ પહેલ હેઠળ કિશોરીઓ સશકત અને સુપોષિત બને એવો ઉમદા હેતુ છે, જેના પરિણામે કિશોરી જાતે જ પગભર થઇ શકશે, સ્વ-બચાવ, સ્વસુરક્ષા તેમજ સ્વસ્થ જીવનની દિશામાં વિશ્વાસપુર્વક પગલાં માંડી શકશે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ અધિકારીએ કિશોરીઓ માટેની વિવિધ યોજનાઓનો લાભ લઈ સુપોષિત અને સક્ષમ બનવા અને અન્ય કિશોરીઓ સુધી આ યોજનાઓની માહિતી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.



રામા ફાઉન્ડેશનના મુકેશભાઈ રાઠોડે કિશોરીઓને સ્વ બચાવની વિવિધ ટેકનિક વિશેની લાઈવ ટ્રેનિગ આપી હતી. આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, શ્રમ અને રોજગાર વિભાગ, પોસ્ટ ઓફિસ, પોલીસ વિભાગ, અર્બન હેલ્થ સેન્ટર અને સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ હેઠળ તૈયાર કરવામાં આવેલા સ્ટોલ દ્વારા બાળકોના હક અને કાયદા, ચાઇલ્ડ મેરેજ એક્ટ, પોક્સો એક્ટ, વિનામૂલ્યે કાનૂની સહાય, કૌશલ્ય વર્ધનના વિવિધ ક્ષેત્રો, આઈ.ટી.આઈ અને કે.વી.કે.ના વિવિધ કોર્સ, શી ટીમ, મહિલા સુરક્ષા, સ્વબચાવ શિક્ષણ, પોસ્ટ બચત યોજના સહિત સરકારની વિવિધ યોજનાઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application