આજે હનુમાન જયંતીનો તહેવાર આવ્યો છે. આ તહેવારને ધ્યાનમાં રાખી ગૃહમંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ શાંતિ અને સદ્ભવાના ખોરવાય નહીં તેની તકેદારી રાખવા નિર્દેશ આપ્યા છે. આજે દેશભરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઊજવણી થશે અનેક રાજ્યોમાં હનુમાનજીની શોભાયાત્રાઓ કાઢવામાં આવશે. આ સંદર્ભમાં ગયા સપ્તાહે પશ્ચિમ બંગાળ, બિહાર સહિત કેટલાક રાજ્યોમાં ફાટી નીકળેલા કોમી રમખાણોને ધ્યાનમાં રાખી ગૃહમંત્રાલયે બધા જ રાજ્યોને સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા વધુ તકેદારી રાખવા એડવાઈઝરી જારી કરી છે.
ગૃહમંત્રાલયે બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હનુમાન જયંતી પ્રસંગે ગૃહમંત્રાલયે બધા જ રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. રાજ્ય સરકારોએ તેમના પ્રદેશોમાં શાંતિપૂર્ણ રીતે તહેવારની ઊજવણી થાય તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સમાજમાં શાંતિ અને સૌહાર્દ ખોરવતા કોઈપણ પરીબળો પર ચાંપતી નજર રાખવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં રામનવમીએ હુગલી અને હાવડા જિલ્લામાં હિંસક અથડામણો થઈ હતી. હવે હનુમાન જયંતીએ કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે કેન્દ્રીય દળોની વિશેષ તૈનાતી કરવામાં આવી છે.
રાજ્ય પોલીસને મદદ કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ મોકલવામાં આવ્યું છે. દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદે પશ્ચિમ બંગાળમાં ગુરુવારે હનુમાન જયંતી પ્રસંગે અંદાજે 500 કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. વિહિપના રાષ્ટ્રીય સહાયક સચિવ સચિન્દ્રનાથ સિંહે કહ્યું કે, રાજ્યમાં હનુમાન જયંતીની શોભાયાત્રાઓમાં કોઈપણ વ્યક્તિ હથિયાર સાથે નહીં જોડાય. આખા રાજ્યમાં નાના સ્તરે અંદાજે 500 જેટલા કાર્યક્રમો યોજાશે. નોંધનીય છે કે, ગયા વર્ષે પણ રામનવમી અને હનુમાન જયંતી પ્રસંગે કેટલાક રાજ્યોમાં નીકળતી શાભાયાત્રાઓ પર પથ્થરમારો થયો હતો અને વાતાવરણ ડહોળાયું હતું. એ જ રીતે આ વર્ષે ફરી રામનવમીએ રમખાણો થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500