સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજથી નવરાત્રીનો દબદબાભેર પર પ્રારંભ થયો છે. નવરાત્રીના પ્રભાતેથી જ સુરતમાં મા અંબા સહિત અનેક માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. માતાજીની આ મંદિરે આરાધના કરતા વડીલોની સાથે સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી રહી છે. આજે નવરાત્રીના પહેલા જ દિવસે માતાજીના મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેના કારણે દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવી પડી રહી છે. સતત નવ દિવસ માતાજીની આરાધના કરવાનો તહેવાર એટલે નવરાત્રી દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાં નવરાત્રીની ઉજવણી માટે સુરતીઓ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
નવરાત્રી પહેલા જ મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વહેલી સવારથી જ માતાજીના મંદિરમાં પૂજા પાઠ પણ શરૂ થઈ ગયા છે. આજે નવરાત્રીના પહેલા જ દિવસે સુરત શહેરમાં આવેલા મા અંબાના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. સુરત શહેરના કોટ વિસ્તારમાં અંબાજી રોડ પર આવેલા 400 વર્ષ જૂના મા અંબાના મંદિર ઉપરાંત અંબિકાની કેતન ખાતે આવેલા માતાજીના મંદિર સહિત અનેક માતાજીના મંદિરમાં આજે વહેલી સવારે જ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ ભક્તોમાં આ વખતે વડીલો સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. આ નવરાત્રી દરમિયાન અનેક યંગસ્ટર્સ ઉપવાસ કરવા માટે તૈયાર થઈ રહ્યાં છે.
ફાસ્ટ ફૂડ ખાવા માટે ટેવાયેલા યંગસ્ટર્સ પણ હવે નવરાત્રીમાં માતાજીની આરાધના માટે એક સમય ભોજન કરીને ઉપવાસ શરૂ કરી દીધા છે. માતાજીને રીઝવવા માટે ભક્તો પોતાની શક્તિ પ્રમાણે આરાધના કરી રહ્યા છે. માતાજીના મંદિરમાં ભક્તોની વધુ ભીડ હોવાથી દર્શનની સુવિધા માટે મંદિર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં માત્ર અંબા માતાના મંદિર જ નહીં પરંતુ અન્ય માતાના મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે વહેલી સવારથી જ અનેક લોકો પોતાની કુળદેવી માતાના મંદિરોમાં દર્શન કરવા માટે પહોંચી ગયાં હતા. આ ઉપરાંત આગામી નવ દિવસોમાં પણ માતાજીના મંદિરોમાં ભક્તોને સૈલાબ ઉમટી પડશે જેના કારણે મંદિરોમાં પણ ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ મંદિરોમાં દર્શન ઉપરાંત વિવિધ પૂજા અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500