દર વર્ષની જેમ આ વર્ષે પણ પાવનકારી ઋષિપાંચમના મહિમાવંતા મહાપર્વની આજે ગોહિલવાડમાં ઠેરઠેર પરંપરાગત રીતે ભાવ અને ભકિતમય માહોલમાં આસ્થા અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. આ અવસરે ભાવનગર શહેર અને જિલ્લાના પૌરાણિક ધર્મસ્થાનકોમાં દર્શનાર્થે અને કોળીયાક સહિતના સ્થળોએ સમુદ્રસ્નાન અર્થે માનવ મહેરામણ ઉમટી પડશે.
દેવાધિદેવ મહાદેવની આરાધનાના અંતિમ દિવસ ભાદરવી અમાસ બાદ ભાદરવા સુદ પાંચમે ઋષિપાંચમના પાવનકારી અવસરે દેવદર્શન, પૂજન અર્ચન બાદ સમુદ્ર કે નદી સ્નાનનું અનન્ય મહાત્મ્ય હોય આ બંને દિવસોમાં પૌરાણિક અગત્યતા ધરાવતા કોળીયાક નજીક આવેલા પાંડવકાલીન પૌરાણિક શ્રધ્ધેય નિષ્કલંક મહાદેવ, તળાજા તાલુકાના મોટા ગોપનાથ, છોટેકાશી સિહોરના નવનાથ, બ્રહ્મકુંડ, ગૌતમેશ્વર મહાદેવ, સમઢીયાળાના પાનબાઈની જગ્યા, ગઢડાના સહસ્ત્રધારા, ઘેલોકાંઠા, સાળંગપુર,પાળિયાદ, ઘેલા સોમનાથ, સહિતના ધર્મસ્થાનકોમાં વહેલી સવારથી જ આબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓ સપરિવાર ઉમટી પડશે. હિન્દુ ધર્મના અનન્ય શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન શ્રધ્ધેય ઋષિઓ કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વશિષ્ઠનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે.
ઉપરોકત ઋષિગણ પ્રત્યે કૃતજ્ઞાતાનો ભાવ વ્યકત કરવાના આ મહાપર્વે ઋષિપાંચમનું વ્રત કરવાથી વર્ષ દરમિયાન જાણ્યે અજાણ્યે થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે અને સર્વ દોષોનું નિવારણ થતા સુખ અને શાંતિ પ્રાપ્ત થતી હોય મોટા ભાગના લોકો ઋષિપાંચમે ધર્મસ્થાનકે દીવો અને ધૂપ કરી ફળનો નૈવેદ્ય ધરી આખો દિવસ ઉપવાસ અને ફળાહાર કરશે. આ સાથે ઉપરોકત પૌરાણિક સ્થળોએ પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળાની અનેરી રંગત જામશે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી બહોળી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ દેવદર્શન અને સમુદ્રસ્નાન માટે ઉમટી પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500