Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘વિજયા દશમી’ના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજા કરી

  • October 15, 2024 

વિજયાદશમીના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કર્યું હતું. ગૃહરાજ્યમંત્રીએ રાજ્યના નાગરિકો, સૌ સુરક્ષાકર્મીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, વિજયાદશમીનું પવિત્ર પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે. દશેરા એટલે ખામીઓ સામે ખૂબીઓનો વિજય એમ જણાવી નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની જ્યોત પ્રગટાવવા આહ્વાન કર્યું હતું.


રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને આધિન રહી સમાજના દુશ્મન સમાન અપરાધીઓ, રેપિસ્ટોને નશ્યત કરવાની ગુજરાત પોલીસની પ્રાથમિકતા છે એમ જણાવી રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાંથી રાવણરૂપી બળાત્કારીઓ, ડ્રગ્સ માફિયાઓ, વ્યાજખોરો, સમાજ માટે અભિશાપરૂપ અસામાજિક તત્વોનો સર્વનાશ કરીશું. શસ્ત્રો સમાજની સુરક્ષા માટે હોય છે. ગુનાખોરી પર લગામ આવે અને શસ્ત્રોનો ઉપયોગ ન કરવો પડે એવી પ્રાર્થના કરી છે. પરંતુ સમાજની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ રાજ્યના નાગરિકોના હિતમાં આ જ શસ્ત્રો ઉપયોગમાં લેવાની શક્તિ ઈશ્વર આપે એવી પણ પ્રાર્થના કરી છે. મંત્રીશ્રીએ સુરત પોલીસના અશ્વને ગોળ ખવડાવી તેમજ ક્રાઈમ ડિટેકશનમાં ઉમદા ભૂમિકા ભજવતા શ્વાનને તિલક કર્યું હતું. તેમણે અત્યાધુનિક રાઈફલોની પૂજા કરી રાઈફલોની ક્ષમતા વિષે જાણકારી મેળવી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application